ગણપતિ મહોત્સવમાં પ્રતિમાઓની ઊંચાઇને લગતુ જાહેરાનામુ બહાર પાડીને વડોદરા શહેર પોલીસે વિવાદ ઉભો કરી દીધો છે. આ જાહેરનામાથી ગણેશ મંડળોમાં ભારે નારાજગી ફેલાઇ છે અને વડોદરા ગણેશ મંડળ એસોસિએશનના પ્રતિનિધિઓએ શહેર ભાજપા પ્રમુખને રજૂઆત કરીને જાહેરનામુ રદ કરવા માટે માંગ કરી છે.
ગણેશોત્સવ ભાદરવા સુદ ચોથ, ૧૯ સપ્ટેમ્બરથી મહોત્સવનો પ્રારંભ થશે તે પૂર્વે શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયુ છે કે ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત ૯ ફૂટથી વધુ ના હોવી જોઇએ. જો પ્લાસ્ટર ઓફ પેરીસ અથવા ફાયબરની મૂર્તિ હોય તો બેઠક સહિત તેની સાઇઝ પાંચ ફૂટથી વધુ ના હોવી જોઇએ. વિસર્જન વખતે મંડળના જેટલા લોકોને પાસ ઇશ્યુ કર્યા હશે તેટલા લોકો જ ઓવારા સુધી આવવાની મંજૂરી મળશે. વેચાણ ના થયુ હોય અથવા તો ખંડીત થઇ હોય તેવી પ્રતિમાઓને બિનવારસી મુકવી નહી. જો આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામું જાહેર થતાં જ વડોદરાના ગણેશ મંડળોની પ્રતિક્રિયા આવવા લાગી હતી અને પોલીસ સામે આક્રોશ વ્યક્ત થવા લાગ્યો છે. માત્ર હિન્દુ તહેવારોને જ નિશાન બનાવીને કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવતુ હોવાની લાગણી સાથે આજે ગણેશ મંડળો એકઠા થયા હતા અને સાંજે સયાજીગંજ સ્થિત ભાજપા કાર્યલય ખાતે શહેર પ્રમુખને રજૂઆત કરી હતી. વડોદરા ગણેશ મંડળ એસોસિએશનના પ્રમુખ જય ઠાકોરનું કહેવુ છે કે શહેર પ્રમુખ વિજય શાહે મંડળોને આશ્વાસન આપ્યુ છે કે પ્રદેશ કક્ષાએ આ મામલે રજૂઆત કરીને ટૂંંક સમયમાં સમાધાન કરવામાં આવશે. જોકે ગણેશ મંડળોએ આ વખતે નક્કી કર્યુ છે કે શહેરમાં ગણેશોત્સવ કોઇના પણ ડર વગર ધામધૂમથી જ ઉજવાશે.