કલેકટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા પ્રાથમિક શિક્ષકોને બી.એલ.ઓની કામગીરી સોપાતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી છે અને આ બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શાસનાઅધિકારી ચુડાસમાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
પ્રાથમિક શિક્ષણ મહાસંઘએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોડ દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક બોલાવી શિક્ષણને વધુ અસરકારક બનાવવા મંથન કરવામાં આવ્યું હતું અને તેમાં શિક્ષણ સિવાયની કામગીરી બાબતે પણ ચર્ચા થઈ હતી. ખાસ કરીને બી.એલ.ઓ ની કામગીરીના કારણે શિક્ષકો વ્યસ્ત બનતા શિક્ષણ કાર્યને માઠી અસર પહોંચે છે. અગાઉ આ બાબતે શિક્ષકોના હિતમાં નિર્ણય થયો હોવા છતાં જિલ્લા કલેકટરની ચૂંટણી શાખા દ્વારા બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં ખાસ કરીને શિક્ષિકા બહેનો કયા સમયે કામગીરી કરશે તે પ્રશ્નો ઉદભવ્યો છે અને તેની અસર શિક્ષણ કાર્ય ઉપર પણ વર્તાશે. જેથી શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.