જાપાનની હ્યોગો યુનિવર્સિટી સાથે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીએ જાપાનીઝ લેન્ગવેજ સહિત મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ વિષયમાં એમઓયુ કર્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં જાપાનીઝ લેન્ગ્વેજનો અભ્યાસક્રમ ચાલુ થતા વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો પણ વધી જશે એવુ એમ.એસ.યુનિવર્સિટીનું માનવુ છે.
થોડા સમય પહેલા એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે જાપાનની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન તેઓએ જાપાનના કોબે શહેરમાં આવેલી હ્યોગો યુનિવર્સિટીની મુલાકાત લઇને એમ.એસ.યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ ની પ્રપોઝલ મુકી હતી જે અનુસંધાને યુનિવર્સિટી ઓફ હ્યોગોની તોહી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેંટ ઉપરાંત જાપાનની ગ્લોબલ બિઝનેસ સ્કૂલ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે બન્ને યુનિવર્સિટી વચ્ચે સ્ટૂડન્ટ-ટીચર પ્રોગ્રામ અસ્તિત્વમાં આવશે. ગત વર્ષે જુલાઇ મહિનામાં જાપાનની યુનિવર્સિટીમાંથી ૧૦ વિદ્યાર્થીઓ અને ટીચર્સનું ડેલિગેશન એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાતે આવ્યું હતું અને તે દરમિયાન એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે તા.૨૩ જુલાઈ ૨૦૨૩ ના રોજ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એમ.એસ.યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ હ્યોગો-જાપાન વચ્ચે એમ.ઓ.યુ. થયા તે વખતે એમ.એસ.યુનિવર્સિટી વતી વાઇસ ચાન્સેલર પ્રો.ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ રજીસ્ટ્રાર કે.એમ.ચુડાસમા સહિતના અધિકારીઓ અને યુનિવર્સિટી ઓફ હ્યોગોની તોહી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેંટના પ્રો.તકાશી અને પ્રો.તોષિયુકિ નાગાસાકી હજાર રહ્યા હતા.