વડોદરાની શિનોર પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. અવાખલ ગામ પાસેથી પશુ દાનની આડમાં દારૂની હેરાફેરી કરતી એક ટ્રકને રોકી તેમાંથી રૂ.30.33 લાખનો દારૂ ઝડપી પોલીસે ટ્રકચાલક સહિત બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ આદરી છે. આ કાર્યવાહીમાં પોલીસે 525 પેટી દારૂ, પશુ દાન, ટ્રક મળીને કુલ રૂ. 46.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વડોદરાની શિનોર પોલીસને બાતમી મળી હતી કે, પશુદાનની આડમાં એક ટ્રકમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સેગવાથી સાધલી વચ્ચે વોચ ગોઠવી હતી. દરમિયાન, અવાખલ તરફ જવાના માર્ગે એક શંકાસ્પદ ટ્રક પસાર થતા તેને રોકી તપાસ આદરી હતી. દરમિયાન ટ્રકમાંથી પોલીસને 525 પેટી દારૂ જેની કિંમત અંદાજે રૂ. 30.33 લાખ થાય છે, જપ્ત કરી હતી. જો કે, પ્રાથમિક તબક્કે ટ્રકમાં પશુદાન થતું હોવાનું જણાવાયું હતું. પરંતુ પોલીસે સઘન તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકચાલક સહિત બે લોકોની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછમાં તેનું નામ સગીરખાન ઉર્ફે મુન્નો બાબુખાન પઠાણ અને બબલુ અમરતલાલ ભંડોર હોવાનું ખુલ્યું હતું. બંને જણાવ્યું કે, દારૂનો જથ્થો જુનાગઢના કેશોદમાં લઈ જવાનો હતો. દારૂની 525 પેટીઓમાંથી પોલીસને 12,504 નંગ બોટલ મળી આવી હતી. દારૂનો જથ્થો, ટ્રક, પશુદાન સહિત કુલ રૂ. 46.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપી નૌશાદખાન શૌકતખાન, લડ્ડુ અને જુનાગઢની એક અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.