વડોદરાના વડસર બ્રિજ પાસે ડિગ્રી વિના જ શિવ શક્તિ ડેન્ટલ ક્લિનિક ચલાવતો મૂળ ઉત્તરપ્રદેશનો બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ તબીબ મફતમાં દાંતોની ચકાસણી અને માત્ર 100 રૂપિયામાં દાંત પાડવા સહિતની સારવાર કરી આપતો હતો. એક યુવાને કરેલી રજૂઆતના આધારે માંજલપુર પોલીસે શિવ શક્તિ ડેન્ટલ ક્લિનિકમાં રેડ કરીને બોગસ તબીબને ઝડપી પાડ્યો છે અને 15,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
કોઈપણ જાતની ડિગ્રી વગર સંતોષકુમાર સુરેશચંદ્ર ચક (રહે -શ્યામલ કોલોની,વાઘોડિયા રોડ / મૂળ રહે -યુપી) કેવલ ચોકડી પાસે પાર્ક પેરેડાઇઝ કોમ્પ્લેક્સના પહેલા માળે શિવ શક્તિ ડેન્ટલ ક્લિનિક ચલાવે છે. તેવી માહિતી પોલીસને જાગૃત નાગરિકે આપી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી સંતોષ કુમારની અટકાયત કરી સઘન પૂછતાછ હાથ ધરી હતી. અન્ય ડેન્ટિસ્ટ પાસેથી શીખી પોતે છેલ્લા બે વર્ષથી આ ક્લિનિક કોઈ ડીગ્રી વગર ડોક્ટર તરીકે ચલાવતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે રૂ. 15,900 ની કિંમતની દાંતના ચોકઠા, દવાઓ, ઇન્જેક્શન, ક્યુઆર કોડ સ્કેનર, ડેન્ટલની મશીનરી સાધનો સહિતની ચીજ વસ્તુઓ કબજે કરી છે. આમ, દાંતની સારવારનું દવાખાનું ખોલી ડેન્ટિસ્ટ ડોક્ટર ન હોવા છતાં દાંતના દર્દીઓની સારવાર કરી છે.