વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં રહેતી એક માતાએ પોતાની બે પુત્રીને અજાણ્યા કારણોસર ઝેર આપી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આજુબાજુના લોકોને ખબર પડતા માતાને બચાવીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ઘણા સમયથી ભાડેથી દક્ષાબેન ચૌહાણ નામના મહિલા રહેતા હતા. માતાના હાથે મોતને ઘાટ ઉતારાયેલી બે દીકરીઓ પૈકી મોટી દીકરી હની ટી.વાય. બીકોમમા અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દીકરી શાલિની ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી. બંને દીકરીના હાથ-પગ બાંધી ઝેરી દવા પીવડાવી હતી. પરંતુ, દીકરીઓ ન મરતાં તેઓના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. તે બાદ માતાએ ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બંને દીકરીના મોત નીપજ્યા છે તેની ખાતરી થયા પછી દક્ષાબેને પણ મોતને મીઠું કરવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજુબાજુના લોકોને જાણ થઈ ગઇ હોવાથી દક્ષાબેનના ઘરમાં ઘૂસીને તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને કારેલીબાગ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી સઘન તપાસ શરૂ કરી છે. બનાવની જાણ થતાં અક્ષતા સોસાયટી અને આજુબાજુના રહીશો પણ કુતુહલવશ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
છેલ્લા લાંબા સમયથી અક્ષતા સોસાયટીમાં રહેતી દક્ષાબેન ચૌહાણ ભાડેથી રહેતા હોવાથી અને બે દીકરીઓને મોટી કરવાની જવાબદારી હોવાથી આર્થિક સ્થિતિ કથળી હોવાનું મનાઈ રહ્યું છે અને તેને કારણે દીકરીઓ દુઃખી ન થાય તે હેતુથી પ્રથમ દીકરીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ મરી જવા માટે પ્રયાસ કર્યો હતો.