વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી ઈમારતની માટીની ભેખડ ધરાશાયી થતાં કેટલાક શ્રમજીવીઓ દબાયા છે. જેમનું રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે. રેસકોર્સથી નટુભાઈ સર્કલ તરફ જતા વચ્ચેના માર્ગ પર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારે 11 વાગ્યાના અરસામાં પાયાનું ખોદકામ ચાલતું હતું તે દરમિયાન માટીની ભેખડ તૂટી પડતા કેટલાક શ્રમજીવીઓ દબાયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે.
બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સાવચેતી પૂર્વક માટી દૂર કરવાની અને દબાયેલા શ્રમજીવીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જ્યારે હજી એક મજૂર દબાયેલો હોવાની વિગતો મળતા તેને શોધવાની કામગીરી ચાલી રહી છે. ઉપરોક્ત બનાવને પગલે લોકોના ટોળા જમ્યા હતા અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો જેથી પોલીસની ટીમ મદદે આવી હતી.