વડોદરાના વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામે આવેલા એક મકાનના મુખ્ય દરવાજા બહાર મગરનું બચ્ચું આવી જતા મકાનમાં રહેતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે, જીવદયા સંસ્થાની ટીમે સફળતાપૂર્વક મગરના બચ્ચાનું રેસ્ક્યૂ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે નદી, તળાવમાંથી મગરો માનવ વસ્તી તરફ આવતા હોવાની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે. ત્યારે એવી જ એક ઘટના વાઘોડિયાના કુમેઠા ગામમાં બની હતી. કુમેઠા ગામમાં એક મકાનના મુખ્ય દરવાજા બહાર મોડી રાત્રે આશરે 4 ફૂટનું એક મગરનું બચ્ચું આવી પહોંચ્યું હતું. આથી મકાનમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા. તેમણે ત્વરિત જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો. આથી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
મગરનું બચ્ચું કોઇને નુકસાન પહોંચાડે તે પહેલાં જ જીવદયા સંસ્થાની ટીમે તેનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. મગરના બચ્ચાને જોવા માટે મોડી રાતે પણ લોકોના ટોળેટોળા આવી પહોંચ્યા હતા. મગરના રેસ્ક્યૂ બાદ મકાનમાં રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જીવદયા સંસ્થાએ મગરના બચ્ચાને વન વિભાગને સોંપ્યો હતો.