વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ તરફથી પાલેજ આવવાના માર્ગ પરથી કરજણ પોલીસે ચાર બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વલણ આઉટ પોસ્ટના જમાદાર શૈલેષ ચૌધરી સ્ટાફ સાથે કોલીયાદ ગામ તરફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે કોલીયાદ ગામ તરફથી જીતેન્દ્ર ઉર્ફે જીંદો પુનમ વસાવા મૂળ રહે.મોઢામાલપુર તા. નેત્રંગ, હાલ રહે. કોલીયાદ તા. કરજણ, તેઓની આગળ પાછળ અન્ય બે બાઇક પાયલોટીંગ કરી રહી હતી.
જે બાઇકો પર દારૂનો જથ્થો લઇ આવી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે કોલીયાદ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. બાઇક સાથે ચારેય ઈસમો આવી પહોંચતા પોલીસે બાઇક ચાલકોને અટકાવી સઘન તલાશી લેતા તેઓ પાસેથી ૩૩,૬૦૦ નો દારૂ તેમજ મોબાઇલ અને બાઇક નંગ ત્રણ સાથે રૂપિયા ૧,૯૩,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી જીતેન્દ્ર સહિત અજયભાઈ ભુપેન્દ્રભાઈ વસાવા, રહે. ટંકારીયા, વિજયભાઈ મંગાભાઈ વસાવા, રહે. ટંકારીયા, સંજય ઉર્ફે નવલ અરવિંદભાઈ વસાવા, રહે. ટંકારીયા વિરુધ કરજણ પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.