વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે. ગામના 10 થી 12 લોકોને વાનરે બચકાં ભરતા વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આથી ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બચકાં ભરનારા કપિરાજને ગણતરીના કલાકોમાં જ પાંજરે પૂરી દેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ, વાઘોડિયાના ગણેશપુરા ગામમાં છેલ્લા ઘણા દિવસથી કપિરાજ તોફાની બની જતા આતંક મચાવ્યો હતો. તોફાની વાંદરાએ ગ્રામજનો પર હુમલો કરી 10 થી 12 લોકોને બચકાં ભર્યા હતા. આથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘરમાંથી બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. આ મામલે વડોદરા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગની એક ટીમ ગામમાં પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
તોફાની વાંદરાને પાંજરે પુરવા માટે વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું. જોકે, ગણતરીના સમયમાં જ તોફાની વાંદરો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાંજરે પૂરાયેલા તોફાની વાંદરાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગ દ્વારા વાંદરાને તેના વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે એવી માહિતી આપી હતી.