વડોદરા પોલીસે ઇન્સ્ટન્ટ લોનના નામે બોગસ કંપનીઓ ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. શખ્સે લોનધારકને 2.64 લાખની લોન આપીને રૂ. 7.29 લાખ વસૂલ્યા હોવા છતા ધમકી આપી ઉઘરાણી કરતો હતો.
મળતી માહિતી મુજબ, વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી એક જ સરનામે અલગ-અલગ બોગસ કંપનીઓ શરૂ કરી ઇન્સ્ટન્ટ લોન તેમજ ઇન્વેસ્ટમેન્ટની લોભામણી ઓફર આપીને લોકો પાસેથી રૂપિયા પડાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. દરમિયાન એક લોનધારકે આવી જ એક કંપની પાસેથી રૂ.2.64 લાખની લોન લીધી હતી, જેની સામે રૂ.7.29 લાખ ચૂકવ્યા હતા. પરંતુ તેમ છતાં, લોનધારકને ફોન કરી ધમકી આપી બ્લેકમેઇલ કરવામાં આવતો હતો.
વારંવાર રૂપિયાની માંગ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આથી કંટાળીને લોનધારકે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા ટીમે તપાસ હાથ હતી અને કાર્યવાહી કરી બોગસ કંપનીઓ ઊભી કરનારા શખ્સ ઉંમગ પટેલની ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછમાં આ કૌભાંડમાં ચાઇનીઝ ગેંગ સામેલ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે આરોપીને રાજકોટ જેલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.