વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ગંદુ પાણી આવતું હોવા અંગેની અવારનવાર સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આજે સ્થાનિક રહીશોએ માટલા ફોડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રોજબરોજ ગંદુ પાણી અથવા તો પાણી મળતું જ નહીં હોવા અંગેની વારંવાર ફરિયાદોને કારણે કોર્પોરેશન સુધી લોકોના મોરચા પહોંચતા હોય છે જ્યારે કેટલીક વાર તો વોર્ડ ઓફિસમાં સ્થાનિક રહીશો દ્વારા પાણી મુદ્દે તોડફોડ કર્યાના પણ કિસ્સા બન્યા છે.
આજે કિશનવાડી વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ગંદુ પાણી આવતું હોવાના મુદ્દે સ્થાનિક રહીશોએ દેખાવો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, છ મહિના અગાઉ ગંદુ પાણી આવતું હતું તેની ફરિયાદ કરી હતી તે બાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવીને સમારકામ કર્યું હતું પરંતુ તેના એકાદ મહિનામાં જ ફરી એકવાર ગંદુ પાણી આવવાની શરૂઆત થઈ હતી જેથી તાત્કાલિક કોર્પોરેશનના તંત્રને જાણ કરી હતી છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરતા છેલ્લા છ મહિનાથી ગંદા પાણી પીવાનો વારો આવી રહ્યો છે એટલું જ નહીં ચોખ્ખું પાણી ભરેલા જગ વેચાણથી મંગાવવા પડે છે. ગંદા પાણીને કારણે ઘેર ઘેર લોકો બીમાર પડે છે છતાં પણ કોર્પોરેશનનું તંત્ર કાર્યવાહી કરતું નથી આજે તંત્રને જગાડવા માટે માટલા ફોડનો કાર્યક્રમ કર્યો હતો.