વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડાની પારુલ યુનિવર્સિટીમાં આવીને પીએમઓ ઓફિસમાં ડિરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી નાણા પડાવવા કારસો વડોદરાના એક યુવકે રચ્યો હતો. આ ઠગે એજ્યુકેશન રિસર્ચની કામગીરી માટે સરકારમાંથી મંજૂરી મેળવી આપવા નાણાંની માગણી કરી હતી. આવી જ માગણી નિઝામપુરાની ન્યુ એરા સ્કૂલમાં પણ કરી હોવાનું ફરિયાદમાં ઉમેરાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ન્યુ વીઆઇપી રોડ પર સાંદીપનગરમાં રહેતા 48 વર્ષીય ચંદ્રશેખર રાધેશ્યામ દધીચે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરના ન્યુ સમા રોડ પર ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી રાંદલધામ સોસાયટીમાં રહેતા મયંક પરશુરામ તિવારી લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં આઠમી માર્ચે સવારે 11 વાગ્યે આવ્યા હતા અને પોતે પીએમઓ ઓફિસમાં ડિરેક્ટર સ્ટ્રેટેજરી એડવાઈઝરનો હોદ્દો ધરાવે છે તેવી ખોટી ઓળખ આપી હતી અને કોલેજ તેમજ ન્યુ ઈરા સ્કૂલ નિઝામપુરાના વહીવટ કર્તાઓને તથા ગુજરાતમાં એજ્યુકેશન માટે રિસર્ચ કરવાની કામગીરી માટે જરૂરી મંજૂરી સરકારમાંથી મેળવી આપવાના ઇરાદે નાણાનું મોટું રોકાણ કરવા જણાવ્યું હતું. કોલેજ મેનેજમેન્ટે મયંકની તપાસ કરતા તેણે ખોટી ઓળખ આપી હોવાનું અને પુરા દેશમાં આ રીતે ફરીને નાણાં પડાવતા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી મયંક વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.