ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન (AGSU) દ્વારા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ બહાર પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટો વધારવાની માંગણીને લઈને આજથી આંદોલન શરૂ થયું છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આજે વીસી અને ડીનનાં પૂતળાદહન કરવામાં આવ્યાં હતાં. એક તબક્કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે પૂતળાદહન મામલે ખેંચતાણ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. જોકે વિદ્યાર્થીઓ દ્વારા પૂતળાદહન કરવામાં આવ્યાં હતાં. પોલીસે 10 કાર્યકરની અટકાયત કરી હતી.
ચાલુ વર્ષે એમ.એસ. યુનિવર્સિટીમાં એફવાયબીકોમની સીટો વધારવા માટે ઘણા દિવસોથી ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા વીસી અને કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતાં આજે કોમર્સ ફેકલ્ટી મેઈન બિલ્ડિંગ બહાર મેનેજમેન્ટનું પૂતળાદહન કરવામાં આવ્યું હતું, જેમાં સયાજીગંજ પોલીસ દોડી આવી હતી અને 10 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી.
વડોદરા અને એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફ.આર. કશપ પરમારે જણાવ્યું હતું કે ઓલ ગુજરાત સ્ટુડન્ટ ઇન્ડિયન દ્વારા આજે કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાની માગણી સાથે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાને લઈને અમે ડીન અને વીસીને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ તેઓ અમારી માગ સ્વીકારવા તૈયાર નથી અને બેઠકો વધારવા માટે કોઈ ઉત્તર આપતા નથી. એને લઈને આજે કોમર્સ ફેકલ્ટી ખાતે વીસી અને ડીનનાં પૂતળાંનું દહન કરવામાં આવ્યાં હતાં. જ્યાં સુધી વીસી અને ડીન દ્વારા બેઠકો વધારવા બાબતે કોઈ ઉત્તર આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ રહેશે.