વડોદરા જિલ્લાના ડભોઇમાં હોસ્પિટલ ચલાવતા ડોક્ટરના ઘરમાંથી તસ્કરોએ 7.85 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ડભોઇમાં પંડ્યા હોસ્પિટલ ચલાવતા ડોક્ટર ભરતભાઇ હર્ષદરાય પંડ્યા (ઉં.વ.72)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 9 જૂનના રોજ સવારના દશેક વાગ્યાની આસપાસ હું પરિવાર સાથે વલસાડ સ્થિત તિથલ ખાતે ફરવા ગયા હતા. ત્યારબાદ 11 જૂનના રોજ હું પરિવાર સાથે વલસાડ હતો, તે સમયે મારી પાડોશમાં રહેતા નંદુભાઇ માંડલેનો ફોન આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે, તમારા ઘરનું તાળુ તૂટેલુ છે. જેથી અમે વલસાડથી નીકળીને વડોદરા આવી ગયા હતા. અમે ઘરે આવીને જોતા ઘરના દરવાજાનો નકૂચો તૂટેલો હતો. ઘરમાં જઇને તપાસ કરતા અલગ-અલગ રૂમમાં રાખેલી તિજોરી અને કબાટન ડ્રોવરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના મળ્યા નહોતા. તેમજ રોકડા 70 હજાર રૂપિયા પણ નહોતા મળ્યા. આમ રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ 7.85 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.