બિપારજોય વાવાઝોડાના કારણે વડોદરામાં આજે તમામ સ્કૂલો અને કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રાખવાનો ગુરૂવારે જ કલેકટરે આદેશ આપી દીધો હતો. આમ છતા એમ.એસ.યુનિવર્સિટીમાં આવેલા ઈગ્નો(ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી)ના સેન્ટરમાં આજે પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સૂસવાટા મારતા પવનો તેમજ વરસાદ વચ્ચે પરીક્ષા આપવા માટે આવ્યા હતા.
યુનિવર્સિટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ ખાતે ઈગ્નોનુ સેન્ટર આવેલુ છે. જ્યાં સેંકડો વિદ્યાર્થીઓ વિવિધ કોર્સમાં ડિસ્ટન્સ લર્નિંગથી અભ્યાસ કરી રહ્યા છે. જેમની પરીક્ષા આ સેન્ટર પર લેવાતી હોય છે.
યુનિવર્સિટીના પ્રવક્તાનુ કહેવુ હતુ કે, ઈગ્નો એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે. જેનુ સંચાલન કેન્દ્રીય સ્તરેથી થાય છે. અમે ઈગ્નોને ગઈકાલે રાત્રે કલેકટર તરફથી અપાયેલા આદેશની જાણ કરી હતી. જોકે તેમના તરફથી કોઈ જવાબ નહીં મળતા આખરે અમારે પરીક્ષા લેવી પડી હતી. કારણ કે આ પરીક્ષાનુ આયોજન સમગ્ર ભારતમાં એક જ તારીખે અને એક જ સમયે થતુ હોય છે.