વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ગીતાંજલિ એપાર્ટમેન્ટમાંથી ગાંજાનું વેચાણ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે ગાંજાનો જથ્થો વેચનાર તથા ખરીદનાર બે શખ્સોને ઝડપી પાડી 2.648 કિ.ગ્રા ગાજા સહિત રૂ. 1,25,700 સહિત કુલ રૂ. 1,55,520 નો મુદ્દામાલ કબજે કરી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, મોહમ્મદખાલીદ ઉર્ફે કીચડ મોહમ્મદહનીફ શેખ (રહે- ગુલશન એપાર્ટમેન્ટ, યાકુતપુરા) પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. અને સોજાવુંદીન ઉર્ફે રાજા શાહબુદ્દીન કાજી (રહે- ગીતાંજલી એપાર્ટમેન્ટ, કારેલીબાગ) ગાંજાની ડિલિવરી લેવા માટે જવાનો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ઉપરોક્ત બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ મકાન સોજાવુંદીને અમદાવાદ ખાતે રહેતા પોતાના મામાએ ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ અશાંતધારાના લીધે દસ્તાવેજ થયો નથી જેથી ભાડેથી રહે છે. પોલીસે દરોડા દરમિયાન 26,520 ની કિંમતનો 2.648 કિ.ગ્રા ગાજો, મોબાઈલ ફોન રોકડા રૂ. 1,25,700 સહિત કુલ રૂ. 1,55,520 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની એનડીપીએસ એકટ હેઠળ અટકાયત કરી ગાંજાનો જથ્થો આપનાર સુરતના અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.