વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ પંખો પડતા સુપરવાઈઝરને ઈજા થઈ હતી અને આ ઘટનાના પગલે ભારે દોડધામ મચી ગઈ હતી.
યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હાલમાં એસવાયની ફાઈનલ પરીક્ષા ચાલી રહી છે. આ માટે કોમર્સ ફેકલ્ટીની સાથે આર્ટસ ફેકલ્ટીમાં પણ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે આર્ટસ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગના રૂમ નંબર 18 માં પંખો પડ્યો હતો અને સુપરવાઈઝરને માથામાં ઈજા થતા દોડધામ થઈ ગઈ હતી. થોડા સમય માટે પરીક્ષા પણ રોકી દેવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત સુપરવાઈઝર ગિરિશભાઈ ભાંભણીયાને સારવાર માટે યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમની ઈજા ગંભીર નથી તેવુ સૂત્રોનુ કહેવુ હતુ.
ચોંકાવનારી વાત એ છે કે, આર્ટસ ફેકલ્ટીમાં પંખો પડવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ પણ બે વખત ફેકલ્ટીમાં પંખો પડી ચુકયો છે. એક ઘટનામાં વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ હતી અને તે સમયે પણ પરીક્ષા ચાલી રહી હતી. તે સમયે ફેકલ્ટીમાં તમામ લાઈટો અને પંખાનુ ઈન્સ્પેક્શન કરવાની માંગ પણ ઉઠી હતી. આમ છતા આજે પંખો પડવાની વધુ એક ઘટના બની છે. ફેકલ્ટીના અધ્યાપકોમાં પણ આ બનાવના પગલે રોષની લાગણી ફેલાઈ હતી અને આ માટે જવાબદારો સામે પગલા ભરવામાં આવે તેવી લાગણી અધ્યાપકોએ વ્યક્ત કરી હતી.