ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર સિમીત થઈ ગઈ છે. વડોદરા શહેર-જિલ્લામાંથી રોજેરોજ લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો દારુનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે કરજણ હાઇવે ઉપર ભરથાણા ટોલનાકા પાસેથી અમદાવાદ બંધ બોડીની ટ્રકમાં લઈ જવાતો રૂપિયા 23 લાખની કિંમતનો દારૂ ભરેલ 465 પેટી દારૂ ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં પોલીસે દારુ અને ટ્રક મળી કુલ 33.23 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો હરિયાણાથી લાવવામાં આવી રહ્યો હતો.
રાત્રિના સમયે LCB નો સ્ટાફ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, દારૂ ભરેલી રાજસ્થાન પાસિંગની એક બંધ બોડીની ટ્રક ભરૂચથી વડોદરા તરફ આવી રહી છે. જે માહિતીના આધારે સ્ટાફને ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી દેવા સુચના આપવામાં આવી હતી. જે સુચનાના પગલે સ્ટાફના જવાનો છૂટાછવાયા ટોલનાકા પાસે ગોઠવાઈ ગયા હતા. આ દરમિયાન માહિતીવાળી ટ્રક આવી પહોંચતા વોચમાં ગોઠવેલી પોલીસે ટ્રકને રોકી હતી. ટ્રકને રોક્યા બાદ ડ્રાઇવરને સાથે રાખીને ટ્રકમાં તપાસ કરતા ઢાકેલી તાડપત્રી નીચેથી ભારતીય બનાવટની દારૂની 465 પેટી મળી આવી હતી. ટ્રકમાંથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે ટ્રકનો કબજો અને ડ્રાઇવરની અટકાયત કરીને કરજણ પોલીસ મથકમાં લઈ ગઈ હતી. દારૂની પેટીઓમાંથી બોટલો ગણતા 9,948 નંગ દારૂની બોટલો મળી આવી હતી. દારૂનો જથ્થો લઈને આવનાર ડ્રાઇવરની પૂછપરછ કરતા તેનું નામ સુભાષ વગોકુલરામ ગોદારા હોવાનું અને રાજસ્થાનના રાસીસર મોટાવાસનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેને દારૂ અંગેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો જજ્જર હરિયાણાના રહેવાસી સુરેન્દ્ર જાટે ભરાવ્યો હતો. આ દારૂનો જથ્થો અમદાવાદ રીંગરોડ ઉપર પહોંચીને સુરેન્દ્રને ફોન કરવાનો હતો. સુરેન્દ્ર જે માહિતી આપે તેના આધારે આ દારૂ પહોંચતો કરવાનો હોવાની કબુલાત કરી હતી.
કરજણ પોલીસ મથકમાં રૂપિયા 23 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ટ્રકચાલક સુભાષ ગોદારા સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે રૂપિયા 23,18,400 ની કિંમતનો દારુ, એક મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ રૂપિયા 33,23,400નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
યાકુબ પટેલ, પાલેજ