વડોદરા જિલ્લાના કરજણ નગરમાં ગતરોજ વરસાદ સાથે ભારે પવન ફુંકાતા નગરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. ગતરોજ વહેલી સવારે કરજણ નગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોત જોતામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનના પગલે નગરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. વૃક્ષો ધરાશાયી થવાની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ફાયર વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર નવા બજાર સ્થિત શાહ એમ.બી. સ્કુલ, કોર્ટની પાછળ, ગુરુકૃપા સોસાયટી, ઓમ પાર્ટી પ્લોટ, અક્ષરધારા, આકૃતિ બંગ્લોઝ, સોનાનગર, BSNL ઓફીસ, શાક માર્કેટ, APMC માર્કેટ, પ્રાંત અધિકારીના નિવાસ સ્થાને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચી જઇ ફાયર વિભાગના કર્મીઓએ ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ