વડોદરા નજીક વેમાલી પાસેની એક હોટલના પાર્કિગમાં પાર્ક કરેલા કન્ટેનરમાંથી દરૂરૃનો જથ્થો ઉતારી હોટલ પાસેના એક ગોડાઉનમાં ઠાલવતી વખતે જ જિલ્લા પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડયો હતો જ્યારે બે ફરાર થઇ ગયા હતાં. આ કન્ટેનરમાં મરી મસાલા પણ મળ્યા હતાં.
આ અંગેની વિગત એવી છે કે જિલ્લા એલસીબીનો સ્ટાફ મોડી રાત્રે વેમાલી તરફ પેટ્રોલિંગમાં હતો ત્યારે વેમાલી ગામની સીમમાં આવેલી દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલના કમ્પાઉન્ડમાં એક કન્ટેનર ઊભું હતું અને કન્ટેનરની પાછળ બે શખ્સો શંકાસ્પદ ગતિવિધી કરતા હોવાનું જણાયું હતું. પોલીસના માણસો નજીક જતાં જ બે શખ્સો એક બોક્સ હાથમાંથી મૂકી ફરાર થઇ ગયા હતાં.
રાત્રિના અંધારામાં બંનેનો પીછો કરવા છતાં તેઓ ઝડપાયા ન હતા પરંતુ કન્ટેનરની કેબિનમાંથી હમીદ મુનફેદ ખાન (રહે.ધીમરી, તા.પહરી, જિલ્લો ભરતપુર, રાજસ્થાન) ઝડપાઇ ગયો હતો. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં ઓર્ગેનિક તત્વ કંપનીના માર્કાના રસોઇને લગતા મરી મસાલા ભરેલી પ્લાસ્ટિકની નાની-મોટી બેગો મળી હતી. આ મરી મસાલાની સાથે દારૃની બોટલો પણ જણાઇ હતી. પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં એક ગોડાઉનમાં પણ તપાસ કરતાં દારૂનો જથ્થો મળ્યો હતો.
દારૃની કુલ ૩૦૨૪ બોટલો, એક મોબાઇલ, રૂ.૨૮.૧૪ લાખ કિંમતના મરી મસાલા, કન્ટેનર અને જીપીએસ ટ્રેકર મળી કુલ રૃા.૪૬.૯૬ લાખ કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઝડપાયેલા હમીદની પૂછપરછ કરતાં તેને પોલીસને જણાવ્યું હતું કે હરિયાણાના ગુરુગ્રામ ખાતે રાણાજી પંડિત નામના શખ્સે ધારુહેરા ગામેથી કન્ટેનરમા દારૃ ભરી આપ્યો હતો અને વડોદરામાં મેહુલ કહાર નામના શખ્સને જથ્થો આપવાનો હતો. ગોલ્ડન ચોકડી પાસે પહોંચીને રાણાજીને ફોન કરતાં એક શખ્સ આવ્યો હતો અને કન્ટેનર દ્વારકાધીશ હોટલના કમ્પાઉન્ડમાં લઇ આવ્યો હતો જ્યાં અગાઉથી જ હાજર માણસોએ દારૂની પેટીઓ ઉતારી હતી.