વડોદરા નજીક સેવાસી ખાનપુર રોડ પર આવેલ સ્પેન્સર એક્સ એપાર્ટમેન્ટમાં રહેતા કરિશ્મા રજનીકાંત પરીખ ગોરવા બીઆઇડીસીમાં આવેલી ટેન્ગો ડ્રીલીંગ ઇક્વિપમેન્ટ એન્ડ સર્વિસીસ નામની મશીન સ્પેરપાર્ટસ બનાવતી કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે. બે મહિના પહેલા તેઓ છાણી વિસ્તારમાંથી સેવાસી પાસેના નવા મકાનમાં શિફ્ટ થયા હતા. આ વખતે ત્યાં કામ શોધતી રશ્મિકા રાજેશ માળી રહે પંચમુખી હાઉસિંગ ફ્લેટ વાસણા ભાયલી રોડ આવી હતી તે વખતે ઘરકામ કરતી મહિલાની જરૂર હોવાથી કરિશ્મા પરીખે તેને રૂપિયા 5000 માસિક પગારથી રાખી હતી. તેનું કામ ઘરમાં સાફ સફાઈ કરવા ઉપરાંત કપડા ગડી વાળીને ઇસ્ત્રી કરી કબાટમાં ગોઠવવાનું હતું. જેના કારણે ઘરની તમામ રૂમોની સ્થિતિથી તે વાકેફ હતી. તારીખ 29 મીએ કરિશ્મા પતિ સાથે મુંબઈ ખાતે રહેતા પતિના મિત્ર રાહુલ ખત્રીના માતા-પિતાની 50 મી મેરેજ એનિવર્સરીના પ્રસંગમાં ગોલ્ડન જુબેલી ઉજવવા ગયા હતા. આ વખતે રશ્મિકાએ મારી બહેનને ત્યાં છોકરાનો જન્મ થયો છે મારે જંબુસર જવું પડશે એમ કહી રજા માંગી હતી. જેથી કરિશ્માએ હું ઘરે આવું પછી વાત કરીએ તેમ જણાવ્યું હતું. બાદમાં રશ્મિકા રજા લઈને જતી રહી હતી. લાંબા સમય સુધી તે પરત ઘેર આવી ન હતી જેથી તેને ફોન કરતા હજી મને રજા પડશે તેમ જણાવેલ દરમિયાન કરિશ્માએ પુત્રના યુએસએના વિઝા વેલીડ છે કે નહીં તે ચેક કરવા પાસપોર્ટ કાઢવા માટે ડ્રેસિંગરૂમનું લોકર ખોલ્યું ત્યારે અંદર મૂકેલી કપડાની થેલીમાંથી 8 સોનાની બંગડી, ચાર ગીની, એક બિસ્કીટ મળી સાત લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના જણાયા ન હતા. આ ચોરી રશ્મિકાએ જ કરી હોવાની આશંકા સાથે તેને ફોન કરી બીજી રીતે કરીશમાએ વાત કરી હતી. જેથી રશ્મિકાએ સામેથી ભાભી કાંઈ થયું છે તેમ પૂછ્યું હતું. આ ઉપરાંત તે જ દિવસે ત્રણથી ચાર વખત અન્યને પણ ફોન કરી ઘરમાં કશું થયું છે તેવી પૂછપરછ કરી હતી. બાદમાં રશ્મિકા તેના પતિ અને સસરાના ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા. ચોરીની આ ઘટના અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરામાં ઘરકામ કરતી મહિલા 7 લાખના દાગીના ચોરી કરી ફરાર
Advertisement