વડોદરા નજીક વરણામા ગામ પાસે આવેલા પ્લાસ્ટિક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને સતત દોઢ કલાક સુધી 1 લાખ લિટર જેટલો પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, ગોડાઉન સ્થિત તમામ પ્લાસ્ટિક બળીને ખાખ થઇ ગયું હતું.
મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આવેલી પોલિટેક પ્લાસ્ટિક કંપનીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા હતા. અને 10 કિલોમીટર દૂર સુધી આગની ઘટનાનો ચિતાર નજરે ચડતો હતો. આગના બનાવની જાણ દશરથસિંગ શેખાવતે વડોદરા ફાયર બ્રિગેડને થતાં મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને આગ વધુ પ્રસરે નહિં તે રીતે ચારબાજુથી પાણીમારો શરૂ કરી દીધો હતો. આ આગને બૂઝાવવા માટે સતત દોઢ કલાક સુધી પાણી મારો ચલાવવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડ દ્વારા દોઢ કલાકમાં 1 લાખ લિટર ઉપરાંત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.