વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારની રસુલજીની ચાલ તથા આજુબાજુના વસાહતોમાં છેલ્લા 8 મહિનાથી ગંદુ પાણી અને પીવાના પાણી અને ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશોએ ઉત્તર ઝોનની કચેરી ખાતે માટલા ફોડી વિરોધ કર્યો હતો.
ઉનાળાની ઋતુ દરમિયાન પીવાના પાણીની માંગ વધતા અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાયો છે પરંતુ તેની સાથે સાથે ગંદા પાણીની સમસ્યાનો પણ વધારો થઈ રહ્યો છે અનેક વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવવાને કારણે પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી મિશ્રિત થતા ઠેર ઠેર ગંદા પાણીની ફરિયાદોમાં પણ ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
આજે નવા યાર્ડ વિસ્તારમાં રસુલજીની ચાલ અને તેની આજુબાજુની સોસાયટીઓ તથા વસાહતોમાં છેલ્લા આઠ મહિનાથી ગંદુ પાણી આવે છે તેની સાથે ડ્રેનેજ ઉભરાવવાના પણ પ્રશ્નો વિકટ બન્યા છે. ગંદા પાણીની સમસ્યાને કારણે રોગચાળો ફેલાયેલો છે અનેક બાળકો બીમાર પડેલા છે. કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જેને ધ્યાનમાં રાખી આજે સ્થાનિક રહીશોએ ઉત્તર ઝોનની કચેરી ખાતે મોરચો કડી માટલા ફોડી ગંદા પાણી અને ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા હલ કરવાની માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.
સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે સમગ્ર નવા યાર્ડ વિસ્તારમાં અનેક જગ્યાએ ગંદુ પાણી આવી રહ્યું છે તો અનેક વિસ્તારમાં પીવાનું પાણી પૂરતું મળતું નથી એટલું જ નહીં અને જગ્યાએ ડ્રેનેજ પણ ઉભરાતી રહે છે. આ સમગ્ર બાબત અંગે કોર્પોરેશનમાં તેમજ સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆતો કરી છે છતાં કોઈ ઉકેલ આવતો નથી ગંદા પાણીને કારણે આ વિસ્તારમાં નાના બાળકો બીમાર પડ્યા છે છતાં કોર્પોરેશનનું તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.