કર્ણાટક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થતા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના કરજણ ખાતે પણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી. કરજણ સ્થિત જુની નગરપાલિકા કચેરી પાસે એકત્ર થયેલા કોંગી અગ્રણીઓ સહિત કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગી કાર્યકરોએ આતશબાજી સાથે કોંગ્રેસના વિજયને વધાવી લીધો હતો. કોંગ્રેસ જિંદાબાદના ગગનભેદી નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કોંગી કાર્યકરો આતશબાજી કરી રહ્યા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અભિષેક ઉપાધ્યાયે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થતા અમે વિજયોત્સવ મનાવ્યો છે. ભાજપની નીતિ જે પ્રમાણે મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી અનેક સમસ્યાઓથી પ્રજા ત્રાહિમામ છે. ત્યારે ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો આશાવાદ સેવ્યો હતો અને પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું તેને તેઓએ વખોડી કાઢ્યું હતું.
કરજણ કોંગ્રેસ તાલુકા સમિતિના પુર્વ અધ્યક્ષ પીન્ટુ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કર્ણાટકથી શરૂઆત થઈ ચૂકી છે. સરકાર દબાણ કરીને કોંગ્રેસને વિજયોત્સવ મનાવવા ન દેતી હોવાના આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં વિજયી બનશે તેવો આશાવાદ સેવ્યો હતો.
આયોજિત વિજયોત્સવ કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરત અમીન, કરજણ શહેર સમિતિના અધ્યક્ષ હર્ષદસિંહ ગોહિલ, ભાસ્કર ભટ્ટ, લતાબેન સોની હોદ્દેદારો, જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવાર, તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારો, નગરપાલિકાના વિજેતા ઉમેદવારો, કોંગ્રેસ સમિતિના OBC, SC, ST, સેલ ના તમામ હોદ્દેદારો, માઈનોરીટી સેલના હોદ્દેદારો મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, સોશિયલ મીડિયા, યુથ કોંગ્રેસ,યુવા કોંગ્રેસ, સમિતિના હોદ્દેદારો સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ