વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં મગર દ્વારા હુમલાના વારંવાર બનાવો બની રહ્યા છે ત્યારે આજે સવારે કરજણ ખાતે એક મહિલાને મગર ખેંચી ગયો હોવાનો વધુ એક બનાવ બનતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.
વડોદરા જિલ્લાના કરજણ નગરમાં આવેલા સ્વામી વિવેકાનંદ તળાવમાં આજે સવારે ઘરકામ માટે નીકળેલી મહિલા તળાવે ગઈ હતી તે દરમિયાન મગરે તેના પર હુમલો કર્યો હોવાની અને તળાવમાં ખેંચી ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ ઘટનાને પગલે તળાવના કિનારે કપડાં ધોઇ રહેલી અન્ય મહિલાઓએ બુમરાણ મચાવી મૂકી હતી. પરંતુ, લોકો આવે તે પહેલાં મગર કંચનબેનને જડબામાં લઇ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવની જાણ તળાવની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને થતા તમામ તળાવ ખાતે ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં વડોદરા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ રબર બોટ, દોરડા સહિતની સાધન-સામગ્રી સાથે પહોંચી ગઇ હતી. તે સાથે આ બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ટીમે એક કલાક ઉપરાંતની શોધખોળના અંતે તળાવમાં ફરતા મગરો વચ્ચેથી કંચનબેનનો લોહી લૂહાણ થઇ ગયેલો મૃતદેહ શોધી કાઢ્યો હતો.