વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા કમલનયન દેસાઈ ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014 દરમિયાન નાણાની જરૂરિયાત ઊભી થતા અલ્કેશ વસંતભાઈ ગજ્જર (રહે-માતૃકા સોસાયટી ,વાસણા રોડ) તથા કિર્તી મયુરભાઈ પટેલ (રહે-મારુતિ ટાઉનશીપ, નિઝામપુરા) પાસેથી મહિને 3 ટકાના વ્યાજે 3 લાખ રોકડા લીધા હતા. જેના સિક્યુરિટી પેટે પ્રોમિસરી નોટ, ચેક તથા મારી માલિકીની નિઝામપુરા નવદુર્ગા શોપિંગ સેન્ટરમાં આવેલ 104 નંબરની દુકાન રાખી હતી. આજ દિન સુધી આ રકમ સામે 3.50 લાખનું વ્યાજ ચૂકવ્યું છે તેમ છતાં વધુ વ્યાજની માંગણી કરી મને પરેશાન કરે છે. તદુપરાંત વર્ષ 2018 દરમિયાન કીર્તિબેન પટેલ પાસેથી માસિક ત્રણ ટકાના વ્યાજે 7.50 લાખની રકમ લીધી હતી. આ રકમ સામે વર્ષ 2019માં 5 લાખ પરત ચૂકવ્યા છે. કિર્તીબેન તથા તેમના પતિ મયુરભાઈ 8 લાખની રકમ ઉપર માસિક 3 ટકાનું વ્યાજ ગણી દર મહિને 24 હજાર વસૂલતા હતા. આમ, વ્યાજ 3.36 લાખ તથા અગાઉના 5 લાખ રોકડા રૂપિયા મળી કુલ 8.36 લાખની રકમ ચૂકવી છે. તેમ છતાં કિર્તીબેન અને તેનો પતિ મયુરભાઈ મારી પાસે વધુ 8 લાખની ઉઘરાણી કરે છે. અને દંપતી વારંવાર ફોન કરી અપશબ્દ બોલી ઘરનો સામાન લઈ જવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપે છે. ફતેગંજ પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે ગુનામાં સંડોવાયેલ ત્રણેય શખ્સોને ગણતરીની પળોમાં ઝડપી પાડી તેઓની પાસેથી કોરા ચેક અને પ્રોમિસરી નોટ કબજે કરી હતી.
વડોદરામાં ઉઘરાણી સાથે ત્રાસ ગુજારતા વ્યાજખોર દંપતી સહિત ત્રણની ધરપકડ
Advertisement