ગરબા ઇવેન્ટમાં કામ કરતી સગીરાને લગ્નની લાલચે ભગાડી જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવા અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે ફરિયાદ પક્ષની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી આરોપીને દુષ્કર્મના ગુનામાં દસ વર્ષની સાદી કેદ તથા 5 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે પીડિતાને સારવાર ખર્ચ પેટે રૂ.20 હજાર ચૂકવવા જણાવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, વર્ષ 2016 દરમિયાન ફરિયાદીની ભોગ બનનાર દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં તેને લગ્નની લાલચે ભગાવી કલાલી વિસ્તારની બાપુનગર સોસાયટી તથા પાવાગઢ હાથણી માતાના ધોધ પાસેની અવાવરું જગ્યાએ લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચારવા મામલે ફતેગંજ પોલીસ મથકે અપહરણ, બળાત્કાર તથા પોક્સો એકટ મુજબ ગુનો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સગીરા ગરબા ઇવેન્ટમાં એન્ટ્રીનું કામ કરતી હતી. આરોપી પ્રજ્ઞેશ ઉર્ફે પન્નો ઉર્ફે ભયલુ બકુલભાઈ રાણા (રહે-છાણી ગામ, વડોદરા) નજીકમાં રહેતો હોવાથી પરિચિત હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એપીપી અતુલ વ્યાસ અને બચાવ પક્ષ તરફે ધારાશાસ્ત્રી જે.બી.ઠક્કરએ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ સ્પે. પોક્સો એન્ડ છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ સલીમ બી.મન્સૂરીએ નોંધ્યું હતું કે, આરોપીએ વર્ષ 2016 દરમિયાન સગીરા સાથે શારીરિક સંબંધ બાંધતા તેને ચાર માસનો ગર્ભ રહ્યો હોવાનું પુરવાર થયું છે. સગીરા આરોપી સાથે ફરવા ગઈ હતી. પરંતુ ક્યાં ગઈ હતી તે યાદ નથી જેથી આરોપીએ ભોગ બનનારનું અપહરણ કર્યાં હોવાનું પુરવાર થતું નથી. તેમજ તે બહેન સાથે વડોદરા ભાડાના મકાનમાં રહેતી હોય આરોપી તેને ફરવા પાવાગઢ લઈ ગયો હોવાનું જણાવ્યું છે. જેથી તેની બહેન સાથે ભાડાના મકાનમાં રહેતી હોય તો ત્યાં તેણીને ભગાડી ગયેલ છે તેમ માની શકાય નહીં.