વડોદરામાં એપ મારફત લોકોને પૈસા આપી ઊંચું વ્યાજ વસૂલવા મોર્ફ કરેલા અશ્લીલ ફોટા મોકલી બ્લેકમેલ કરતા બે શખ્સોની વડોદરા સાયબર ક્રાઇમે હરિયાણાના ગુડગાવથી ધરપકડ કરી છે. ઇન્સ્ટન્ટ લોનના નામે ઠગાઈ કરતી ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા દિલ્હીના બીજા બે ઠગને સાયબર સેલે ઝડપી લીધા છે. જેથી આ કૌભાંડમાં પકડાયેલોની સંખ્યા સાત પર પહોંચી છે.
ઇન્સ્ટન્ટ લોન આપવાના નામે બોગસ કંપનીઓ ખોલી લોન ધારકોને બ્લેકમેલિંગ કરી ચારથી પાંચ ઘણી રકમ વસૂલતા ચાઈનીઝ ઠગોના ઈશારે કામ કરતા પાંચ સાગરીતોને વડોદરા સાયબર સેલે ઝડપી પાડતાં તેમની પાસે 10 બોગસ કંપનીઓ અને 33 બેન્ક એકાઉન્ટની વિગતો ખુલી હતી. લોન લેનાર વ્યક્તિ પાસે વધુ રકમ વસૂલવા માટે તેમના મોફૅ કરેલા ન્યૂડ ફોટા મોકલી આપવામાં આવતા હતા અને પોલીસ કેસની ધમકી આપવામાં આવતી હતી. વડોદરાના એક યુવક પાસે લોન કરતાં ત્રણ ગણી વધુ રકમ વસૂલ્યા પછી પણ વધુ રકમની ઉઘરાણી થતાં તેણે પોલીસ ફરિયાદ કરી હતી.
ચાઈનીઝ ઠગોના ઇશારે કામ કરતાં પાંચ સાંગરી તો ઝડપાયા બાદ રિમાન્ડ દરમિયાન પોલીસને વધુ કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે. જેના આધારે પોલીસે લોન ધારકના ફોટા મોફૅ કરી તેમને ધાકધમકી આપતા દિલ્હીના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડેલા ઠગોમાં દીપક ચંદેશ્વર ચૌધરી અને સચિન કુલેશ્વર કમાત (બંને રહે આયા નગર,સાઉથ દિલ્હી) નો સમાવેશ થાય છે.