એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના ભાગરુપે બનાવેલી કલાકૃતિઓનુ પ્રદર્શન તા.૫ અને ૬ મે ના રોજ ફેકલ્ટીમાં યોજાવા જઈ રહ્યુ છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે બંને દિવસ સવારે ૧૧ થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
વડોદરાના કલાપ્રેમી લોકોમાં ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓની કલાકૃતિઓનુ પ્રદર્શન લોકપ્રિય છે. દર વર્ષે હજારો લોકો તેની મુલાકાત લેતા હોય છે. હાલમાં વિદ્યાર્થીઓની કલાકૃતિઓની પરીક્ષાના ભાગરુપે જ્યૂરી દ્વારા ચકાસણી ચાલી રહી છે. ગત વર્ષે આજ પ્રકારની પરીક્ષા દરમિયાન કુંદન કુમાર નામના વિદ્યાર્થીની કલાકૃતિને લઈને વિવાદ સર્જાયો હતો અને એ પછી જાહેર જનતા માટે કલાકૃતિઓનુ પ્રદર્શન યોજવાનો નિર્ણય પડતો મુકવામાં આવ્યો હતો.
આમ બે વર્ષ પછી વિદ્યાર્થીઓનો ડિસ્પ્લે યોજાવા જઈ રહ્યો છે. ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, આ વખતે કોઈ જાતનો વિવાદ ના સર્જાય તે માટે જ્યૂરીને વિદ્યાર્થીઓી કલાકૃતિની પરીક્ષા દરમિયાન વધારે ચકાસણી કરવા માટે કહેવાયુ છે. ઉપરાંત જે કલાકૃતિઓ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ જ્યૂરીની ચકાસણી માટે રજૂ કરી હશે તે જ કલાકૃતિઓને જાહેર જનતા માટેના પ્રદર્શનમાં રજૂ કરી શકાશે.