કરજણ તાલુકાના નારેશ્વર નજીક હાઈવા ડમ્પર ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા એક્ટિવા સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર ગતરોજ સાંજના સુમારે નારેશ્વર ચોકડી પાસે હાઈવા ચાલકે એક એક્ટિવાને અડફેટમાં લીધી હતી. પરિણામે એક્ટિવા ચાલક ડમ્પર નીચે આવી જતાં ગંભીર જીવલેણ ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ અન્ય ઈસમ સમયસૂચકતા વાપરી એક્ટિવા પરથી કૂદી પડતાં આબાદ બચાવ થયો હોવાનું કહેવાય છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે મરણ જનાર ભરૂચ તાલુકાના અસુરીયા ગામનો 50 વર્ષીય આધેડ હોવાનું અને પોતાની ભત્રીજીના લગ્ન હોય કાકા-ભત્રીજા એક્ટિવા લઈને કરજણ તાલુકાના કુરાલી ગામે સબંધીને ત્યાં લગ્નની કંકોત્રી આપવા માટે નીકળ્યા હતાં. ત્યાંથી પરત ફરી રહ્યા હતાં ત્યારે કરજણ તાલુકાના નારેશ્વર ચોકડી પાસે આવતાં પુરઝડપે બે ફિકરાઈથી હંકારી રહેલા હાઈવા ડમ્પર ચાલકે એક્ટિવા સવાર કાકા-ભત્રીજાને અડફેટમાં લીધા હતાં. ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડી ભાગી છૂટ્યો હતો. કરજણ પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
યાકુબ પટેલ, કરજણ