ચેક આપી કાયદા સાથે દાવપેચ કરતા વ્યક્તિઓ સામે હવે અદાલત સખ્તાઈ વાપરી આરોપીઓને કાયદાના પાઠ ભણાવી રહ્યું છે. જેના કારણે હવે કાયદેસરના દેવા પેટેના ચેક આપી છટકબારી શોધતા આરોપીઓમાં ફફળાટ પેસ્યો છે. તેઓમાં અદાલતે વધુ ત્રણ અલગ અલગ ચેક રિટર્ન કેસમાં ચુકાદા કરી આરોપીઓને સાદી કેદની સજા સાથે વળતર પેટેની રકમ ચૂકવવા હુકમ કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, ફરિયાદી રામચંદ્ર મહેશચંદ્ર અગ્રવાલ (રહે- આરતી પ્લાઝા, વાસણા રોડ ) સ્ટેશનરીનો વ્યવસાય કરે છે. આરોપી ચાંદની એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ચાંદની સમીર મહેતા (રહે -આશીર્વાદ રેસીડેન્સી, વેમાલી)ને ફરિયાદીએ ધંધાર્થે હાથ ઉછીના 9.50 લાખની રકમ આપી હતી. જે પેટેના ચેક રિટર્ન થતા અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે ફરિયાદી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને છ માસની સાદી કેદ અને 4.50 લાખની રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં ફરિયાદી હુસેનુદ્દીન અલીમુદ્દીન શેખ (રહે- કેવડાબાગ ,નવાપુરા) એ મિત્ર હોવાથી આરોપી કિશોર ખેમચંદ સિંદે (રહે -કેવડા બાગ, નવાપુરા)ને તેના પુત્રને કાપડનો ધંધો કરવા માટે ત્રણ લાખની રકમ આપી હતી. જે પેટેના ચેક રિટર્ન થતા ફરિયાદીએ અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા. આ કેસથી સુનાવણી હાથ ધરાવતા અદાલતે આરોપીને આ ગુનામાં કસૂરવાર ફેરવી છ મહિનાની સાદી કેદ અને વળતર પેટે ત્રણ લાખની રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદી ક્રિષ્ના સ્ટીલ ટ્રેડર્સના સંચાલક પરેશ ચંદ્રકાંત શાહ (રહે -મકરપુરા) લોખંડનો જથ્થાબંધ વેપાર કરે છે. આરોપી આર.કે.એન્જીટેક પ્રો. કુંદાબેન રણજીતરાવ બોચરે (રહે- મકરપુરા) એ ફરિયાદી પાસેથી લોખંડનો માલ ઉધાર ખરીદ્યો હતો. જે પેટેનો 35,753નો ચેક રિટર્ન અંગે કેસ દાખલ થયો હતો. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદ અને વળતર પેટે 35,753 ની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો.