વડોદરામાં રિક્ષામાં ઉંમરલાયક વ્યક્તિઓને બેસાડી તેઓના કીમતી દાગીના તફડાવી લેનાર રીક્ષાચાલક સહિત બે વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે વૃદ્ધાની ચેન તફડાવનાર એક મહિલા ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા પાદરામાં રહેતું એક વૃદ્ધ દંપત્તિ ભાયલી પાસે હનુમાનજી મંદિરે દર્શન કરવા જવા માટે રિક્ષામાં બેઠું હતું ત્યારે રસ્તામાં વૃદ્ધાના ગળામાંથી બે તોલા વજનની રૂ.1,00,000 કિંમતની સોનાની ચેન ચોરી થઈ હતી. આ અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન જિલ્લા એલસીબીએ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરતા એવી બાતમી મળી હતી કે પાદરા એસટી ડેપો પાસે બે શખ્સો સીએનજી રીક્ષા લઈને ઊભા છે અને તેમણે જ વૃદ્ધાની ચેન ચોરી કરી છે. આ બાતમીના આધારે પોલીસે પાદરા એસટી ડેપો પાસેથી સીએનજી રીક્ષા સાથે શકીલ ફિરોજ વોરા રહે. ખાત્રજ દરવાજા બહાર મહેમદાવાદ અને સમીરખાન મુસ્તફાખાન પઠાણ રહે. ઢાંકણી વાળા મહેમદાવાદને ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે મહેમદાવાદમાં સરદારનગર પાસે રહેતી આશા ઉર્ફે જાનુ ચંદુભાઈ દેવીપુજક નામની મહિલા સાથે ઉંમરલાયક વ્યક્તિઓને નિશાન બનાવી ચોરી કરવાનું નક્કી કરી તેઓ પાદરા આવ્યા હતા. આશાબેનને પેસેન્જર તરીકે અગાઉથી જ રિક્ષામાં બેસાડી રાખ્યા હતા અને જ્યારે વૃદ્ધા બેસ્યા ત્યારે આશાએ શિફ્ટપુર્વક સોનાની ચેન આંચકી લીધી હતી.