નર્મદાની પરિક્રમા લાખો ભક્તોને થતી અવ્યવસ્થાને લઇને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને તંત્રની ઉદાસીનતા સામે વિરોધ નોંધાવ્યો હતો. એએચપી દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
હાલ ચૈત્ર માસમાં પવિત્રમાં નર્મદાની ઉતરવહી પરિક્રમા ચાલી રહી છે. પરંતુ તંત્રની ઉદાસીનતા અને અવ્યવસ્થાના કારણે શ્રધ્ધાળુઓને તકલીફ પડતી હોય છે. ઘણી અગવડો જેવી કે, લાખો ભક્તો નર્મદાની પરિક્રમા દરમિયાન નદી પાર કરવા નાવડીઓની જરૂર પડે છે.
કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, નાવડીઓની અછતને કારણે શ્રધ્ધાળુઓને કલાકો સુધી ગરમીમાં રાહ જોવાનો વારો આવે છે. જેમાં ખાસ કરીને વડીલો તથા બાળકોને મહિલાઓને તકલીફ પડતી હોય છે. સાથે જ નદીમાં મગરો વચ્ચેથી જોખમી રીતે શ્રધ્ધાળુઓ વહેતા પાણીમાંથી પસાર થાય છે. વહેલી સવારે ત્રણ વાગ્યે શરૂ થતી પરિક્રમાના રસ્તે પૂરતી લાઇટોની વ્યવસ્થા પણ નથી. જેથી જંગલી પશુઓના હુમલાનો ભય રહે છે.
મહિલાઓ માટે શુલભ શૌચાલયની પણ વ્યવસ્થા નથી. જેના કારણે મહિલાઓને હાલાકી ઉઠાવવી પડે છે. મહિલાઓને ક્ષોભ, શરમજનક સ્થિતિમાં મુકાવું પડતું હોય છે. આ સમગ્ર બાબતે તંત્ર દ્વારા તાકીદે વ્યવસ્થા કરવાની માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.