સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ તાજેતરમાં વડોદરા શહેરના મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. દરમ્યાન ગતરોજ વિધાનસભામાં તેમણે ચાંપાનેર દરગાહની જગ્યા પર મૂકવામાં આવેલ પોલીસના વાહનો હટાવી લેવા માટે રજૂઆત કરી હતી. તો બીજી તરફ આ અંગેના કેસનો અદાલતમાં ચુકાદો આવતા અદાલતે તમામ 18 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે.
વર્ષ 2006 દરમિયાન ચાંપાનેર દરવાજા પાસેની દરગાહના દબાણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવા બાબતે હિન્દુ મુસ્લિમ કોમના ટોળાએ આમને સામને પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓ સાથે અનેક લોકોને ઈજા પહોંચી હતી. બનાવ સંદર્ભે નવાપુરા પોલીસે 18 આરોપીઓ વિરુદ્ધ રાઇટીંગ પ્રોપર્ટી ડેમેજ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓમાં યાકુબ હુસેન ઉર્ફે બાબુ હજામ ખલીફા, પિન્ટુ ખારવા, રસુલ ઉર્ફે લઠ્ઠો પઠાણ, અખ્તીયાર ખાન ઉર્ફે લુલ પઠાણ, રજનીકાંત ઉર્ફે મુન્નો ખારવા, રાજેશ ઉર્ફે બટકો ચૌધરી, રાજેશ ઉર્ફે ધોબી લુનકર, જીગ્નેશ ખુટવડ, અરુણ ખારવા, સુનિલ ઉર્ફે કાલુ ખારવા, સુનિલ કહાર, બંટી ખારવા, સુનિલ ઉર્ફે ગેડીયો ધાડગે અને ગૌતમ ધાડગે (તમામ રહે- વડોદરા)નો સમાવેશ થાય છે. જ્યારે લોમેશ ખારવા તથા ઈસ્માઈલ શેખ હાલ હયાત નથી. આ કેસની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષે પી.પી. આર.આર. પુરોહિત તથા એ. એ. શેખ એ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી સાથે 24 માં એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બકુલભાઈ વિ. વસાવાએ નોંધ્યું હતું કે, રજૂ કરેલ પુરાવાથી આરોપીઓએ મંડળી બનાવવી હોય તથા સરકારી પ્રોપર્ટીને નુકસાન કરેલ હોય તેવું સ્પષ્ટપણે પુરવાર થતું નથી. પથ્થરો ફેંકેલા તે હકીકતો પણ પુરવાર થતી નથી. માત્ર પોલીસ સાહેદોની જુબાની પર આધાર રાખીને આરોપીને દોષિત ઠરાવી શકાય નહીં. ફરિયાદ પક્ષ સાહેદોને અદાલત સમક્ષ જુબાની માટે હાજર રાખવામાં નિષ્ફળ નીવડેલ છે.