વડોદરા શહેરમાં સીટી બસની સર્વિસ જોખમી ગણાવી સામાજિક કાર્યકર્તાએ સીટી બસનો કોન્ટ્રાક્ટ રદ કરવાની સાથે સંચાલકો તથા ડ્રાઇવરો સામે ફોજદારી પગલાં ભરવા કોર્પોરેશનના સત્તાધીશોને રજૂઆત કરી છે.
મેયર, મ્યુનિસિપલ કમિશનર તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરી હતી કે, વિનાયક લોજીસ્ટીક દ્વારા વડોદરા શહેરમાં જે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો ચલાવવામાં આવે છે, તે બસોમાં જે ડ્રાઈવર તથા કંડકટરની ભરતી કરી છે તેની યોગ્ય લાયકાત વિના ભરતી કરે છે. જે ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોઈ એવા ડ્રાઈવરોને નોકરી પર રાખવામાં આવે છે. અમુક ડ્રાઈવરો નશાની હાલતમાં પણ ડ્રાઈવિંગ કરે છે. તાજેતરમાં કિશોરભાઈ ત્રિલોકનું બસ અકસ્માતમાં મૃત્યુ થયેલ હતું. તથા કંડકટરો દ્વારા પણ સીનીયર સીટીઝનો સાથે ગેરવર્તણુક થતી હોવાની ફરિયાદો મળી છે. જેથી વિનાયક લોજીસ્ટીકના સંચાલકો તથા ડ્રાઇવર સામે ઈ.પી.કો.ની કલમ- 299 તથા 304 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવા અમારી માંગ છે. વધુમાં કહ્યું હતું કે, પાલિકા દ્વારા 2017 થી પાંચ વર્ષ માટે કોન્ટ્રકટ આપવામાં આવેલ હતો, જે કોન્ટ્રકટની અવધિ 2022 માં પૂર્ણ થતા વધુ છ માસ માટે એક્સટેનશન આપેલ છે, પરંતુ કોન્ટ્રકટની શરતો મુજબ વિનાયક લોજીસ્ટીક પ્રથમ પાંચ વર્ષમાં સારું કાર્ય કરે તો જ તેને વધુ પાંચ વર્ષ માટે કોન્ટ્રકટ રીન્યુ કરી આપવાનો રહેશે, તેવી શરત હતી. જેથી વિનાયક લોજીસ્ટીકનાઓએ તે શરતોનું પાલન કરેલ ન હોઈ તથા તેઓ બેજવાબદારી પૂર્વક વર્તતા હોઈ જેથી આવા કોન્ટ્રકટરોને તાત્કાલિક અસરે બ્લેકલીસ્ટ કરી તેઓનો કોન્ટ્રકટ રદ કરવા પાત્ર છે.