વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારના બહુચર્ચિત લેન્ડ ગ્રેબિંગ કેસમાં તપાસ અધિકારીએ 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં ડી માર્ટ પાછળ રૂ.૨૦૦ કરોડની બજાર કિંમતની મનાતી અંદાજીત દોઢ લાખ ફુટ ઉપરાંતની સરકારી જમીન બોગસ દસ્તાવેજોને આધારે પડાવી લેવાના કેસમાં સૂત્રધાર સંજય પરમાર, તેની પત્ની લક્ષ્મી અને દસ્તાવેજો કરી આપનાર શાંતા ઉર્ફે ગજરા રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.
તપાસ દરમિયાન સિટી સર્વેની કચેરીએ કોર્પોરેશનના એફ ફોર્મને આધારે એન્ટ્રી પાડી સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી દીધી હોવાની વિગતો બહાર આવી હતી. જેથી કોર્પોરેશનના ડે.ટીડીઓ સોહમ પટેલ, જુનિયર ક્લાર્ક નિર્મળ કંથારિયા અને ડ્રાફ્ટમેન શના તડવીની ધરપકડ કરવામાં આવી હતી.સરકારે આ જમીન પર જેસીબી ફેરવી દઇ તમામ દબાણ તાેડી નાંખ્યા હતા.
ઉપરોક્ત બનાવની તપાસ કરનાર ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ કોર્પોરેશનના ત્રણ કર્મચારી અને શાંતા સહિત ચાર આરોપીઓ સામે આરોપો ઘડતી ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી છે.જ્યારે, સૂત્રધાર સંજય અને તેની પત્ની સામે તપાસ ઉપર હાઇકોર્ટનો સ્ટે છે.