વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે ૧૪ મો મુસ્લિમ યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ૬૫ ભાગ્યશાળી યુગલોએ સાંસારિક જીવનમાં પ્રવેશ કર્યો હતો.
સાંસારીક જીવનનો પ્રારંભ કરનાર ૬૫ યુગલોને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ સૈયદ વાહિદ અલી બાવા સાહેબે તેઓનું જીવન સુખમય અને સફળ નીવડે એ માટે દુઆઓ પાઠવી હતી. વાહીદ અલી બાવા સાહેબ દ્વારા ખોટા ખર્ચાઓ ત્યજી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર તમામ યુગલોને તેમજ તેઓના પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા. સખી દાતાઓ નો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
સખીદાતાઓ તરફથી ૬૫ યુગલોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે સાથે પવિત્ર કુરાન શરીફ ગ્રંથ પણ અર્પણ કરાયા હતા. રાજકીય નેતાઓ તેમજ સામાજિક આગેવાનો દ્વારા સંસ્થાને ચેક અર્પણ કરનાર તમામ નામી અનામી સખી દાતાઓનો બશીર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. વલણ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય મુબારક પટેલે પણ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. અંતમાં સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબે દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદી, સેક્રેટરી બશીરભાઈ પટેલ, ખજાનચી રફીકભાઈ શેખ, આરીફ વોરા, મોઇન શેખ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલના સદસ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સમૂહ લગ્નોત્સવ સમારોહ સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના સમાપન બાદ જ્યારે દુલ્હનોએ સજળ નયનો સાથે વિદાય લીધી ત્યારે ખૂબ જ ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો ૧૪ મો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો.
Advertisement