વડોદરાના બાપોદ વિસ્તારમાં શહેરી ગરીબો માટે બનાવેલા મકાનો પૈકી એક મકાનમાં વહેલી સવારે છતના ભાગમાંથી મોટા ગાબડા પડતા 42 વર્ષની મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર બાપોદ પાણી ટાંકી પાસે શહેરી ગરીબો માટે મકાનો બાંધવામાં આવ્યા હતા. અહીં 260 મકાનો છે, અને 13 ટાવર છે. જેનું પઝેશન વર્ષ 2016 માં આપવામાં આવ્યું હતું. લોકો અહીં રહેવા આવ્યાને હજુ છ વર્ષ જ થયા છે ત્યાં તો મકાનોની બાંધકામની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે.
તારીખ 4 ના રોજ વહેલી સવારે બ્લોક નંબર 6 અને મકાન નંબર 20 માં છતના ભાગમાંથી સ્લેબના મોટા પોપડા ખરી પડ્યા હતા જેના કારણે નીચે મહિલાના પગમાં પોપડા પડવાથી ઈજા થઈ હતી અને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ લઈ જવાઈ હતી. સ્લેબનો ભાગ તૂટતા તેની સાથે સાથે નીચે પંખો પણ તૂટીને પડ્યો હતો. હલકી કક્ષાની કામગીરીના કારણે છતનો મોટાભાગ તૂટતાં છતના સળિયા પણ દેખાવા માંડ્યા છે. કોર્પોરેશન દ્વારા શહેરી ગરીબો માટે વિવિધ વિસ્તારોમાં બનાવેલા મકાનોના બાંધકામોની ગુણવત્તા સામે અવારનવાર સવાલ ઉઠતા રહ્યા છે.
ટાઇલ્સો ઉખડી જવી, બારી બારણા તૂટી જવા, છતમાંથી પાણી લીકેજ થવું વગેરે પ્રશ્નો અંગે અવારનવાર રજૂઆતો થઈ છે. અહીંના એક રહેવાસીએ જણાવ્યું હતું કે આ મકાનોના પ્રશ્નો અંગે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ આવતું નથી. અહીં હલકી કક્ષાનું બાંધકામ, લાઈટ, પાણી, લીકેજ સહિતના ઘણા પ્રશ્નો છે. હજુ અઢી વર્ષ પહેલા આજવા રોડ વિસ્તારમાં કિશનવાડીમાં નુર્મ આવાસ યોજનામાં પણ એક મકાનની છતમાંથી પોપડા પડતા એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2023- 24 નું બજેટ રજૂ કરાયું તેના પર વિરોધ પક્ષ દ્વારા જે દરખાસ્ત મુકવામાં આવી હતી તેમાં એક દરખાસ્ત કોર્પોરેશન દ્વારા નુર્મ, મુખ્યમંત્રી આવાસ યોજના, રાજીવ આવાસ તથા શહેરી ગરીબો માટેના જે મકાનો બનાવેલા છે તેના મેન્ટેનન્સ માટે એક કરોડનું બજેટ ફાળવવા સૂચન પણ કરવામાં આવ્યું હતું.