હોળી-ધૂળેટીનો પર્વ ઉજવવા મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે, તેમાં પણ આદિવાસી પરિવારો માટે હોળીનો તહેવાર ખૂબ અગત્યનો હોવાથી આ તહેવાર ઉજવવા તેઓ પોતાના વતન આવી પહોંચતા હોય છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, ભરૂચ, ડેડીયાપાડા, સાગબારા વગેરે વિસ્તારમાં વસતા આદિવાસી પરિવારો હોળીનો તહેવાર ઉજવવા પોતાને ગામ આવી રહ્યા છે, ત્યારે તેઓને આવવામાં તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા દર વર્ષની માફક આ વખતે પણ વધારાની એસટી બસો દોડાવવાનું નક્કી કર્યું છે. મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરાયું છે.
હોળી પર્વ નિમિત્તે વધારાના ટ્રાફિક તેમજ મુસાફરોને વધારે સુવિધા મળી રહે તે હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા વડોદરા વિભાગને વધારાની બસો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા.3 થી તા.7 સુધી વડોદરા વિભાગના તમામ ડેપો પરથી સરકારી બસોના એક્સ્ટ્રા સંચાલનનો નિર્ણય એસ.ટી. દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વધારાની બસોની ફાળવણી વડોદરા ડેપો ખાતે આજ સવાર સુધીમાં થઈ જવાની છે. વડોદરા ડેપોથી તા.3 ના રોજ વધારાની પાંચ બસ, તા.4 થી તા.7 સુધી દરરોજ વધારાની આઠ બસનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. એટલે કે હોળી પર્વના આ પાંચ દિવસ દરમિયાન વડોદરા ડેપો રોજિંદી ઉપરાંત 37 વધારાની બસોનું સંચાલન કરશે. વડોદરા વિભાગમાં સમાવિષ્ટ વડોદરા, બોડેલી, છોટા ઉદેપુર, ડભોઈ, કરજણ, પાદરા તથા વાઘોડીયા ડેપોને પણ વધારાની બસો ફાળવી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. તા.7 સુધીમાં એસ.ટી. વડોદરા વિભાગ દ્વારા કુલ 235 વધારાની સરકારી બસોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે.