વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલથી સીએનજી પમ્પ સંચાલકોએ હડતાલનું એલાન આપીને સીએનજી પમ્પ બંધ રાખવા જાહેર કર્યું છે. પરિણામે શહેરમાં ફરતા હજારો સીએનજી ચાલકો હેરાન પરેશાન થઈ જવા સહિત કેટલાક વાહનોના પણ પૈડા થંભી જવાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે હડતાળ પૂર્વે આજે સીએનજી પંપો ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી શહેરમાં કમ્પ્રેસડ નેચરલ ગેસ સીએનજીના અનેક પંપ વિવિધ વિસ્તારમાં આવેલા છે. છેલ્લા 55 મહિનાથી સીએનજી પમ્પ સંચાલકોને તેનું માર્જિન વધારી આપવામાં આવ્યું નથી પરિણામે સીએનજી એસોસિએશન દ્વારા આ ચોક્કસ મુદ્દતની હડતાળનો નિર્ણય લેવાયો હતો.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના કમિટી સભ્યોએ આ મુજબની સૂચના બહાર પાડી છે. શહેર સહિત રાજ્યમાં ઠેર ઠેર સીએનજીના વાહનચાલકોએ આવી હાલાકીથી બચવા પંપ પર એડવાન્સમાં સીએનજી પુરાવવા બાબતે લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું છે.