વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આજે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ શાળાઓમાં ખાસ તો પ્રાચીન ભારતના ગણિતજ્ઞ અને મહાન જ્યોતિષ વિદ આર્યભટ્ટ તેમજ સી.વી.રમન, ડો.હોમી ભાભા, જગદીશચંદ્ર બોઝ વગેરે મહાન ભારતીય વૈજ્ઞાનિકોએ આપેલા સિદ્ધાંતો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, અને વિદ્યાર્થીઓએ તેને અનુલક્ષીને વૈજ્ઞાનિક પ્રોજેક્ટો પણ રજૂ કર્યા હતા.
દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિજ્ઞાનથી થતા લાભો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે આ દિવસની ઉજવણી થાય છે. શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ 3 ઝોનમાં આવેલી ત્રણ શાળામાં પ્રતિકાત્મક મુલાકાત પણ લીધી હતી અને વિદ્યાર્થીઓએ રજૂ કરેલા વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા હતા. શિક્ષણ સમિતિની 121 શાળાઓ છે જેમાંથી અસંખ્ય શાળાઓમાં વિજ્ઞાન દિન ઉજવાયો હતો. અકોટા પોલીસ લાઈન સ્થિતમા ભારતીય પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ 75 પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. પ્રોફેસર સી.વી.રમનએ કરેલી ઉત્કૃષ્ટ શોધની યાદમાં વિજ્ઞાન દિવસ ઉજવાય છે, જેને અનુલક્ષીને પ્રકાશ પરાવર્તન, કેમિકલનો ઉપયોગ કરીને સમાજમાં ફેલાવાતી અંધશ્રદ્ધા, કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન વગેરે પ્રકારના પ્રયોગો વિદ્યાર્થીઓએ રજૂ કરેલા હતા.
વડોદરામાં શિક્ષણ સમિતિની શાળાઓમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ.
Advertisement