વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં પુમા કંપનીના નામે ડુપ્લીકેટ શુઝ અને ચપ્પલનું વેચાણ કરતા બે વેપારીઓની પોલીસે કોપીરાઇટ એકટ હેઠળ અટકાયત કરી ચપ્પલની 282 જોડ અને 80 જોડ શૂઝ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોપીરાઈટના હકોનું રક્ષણ કરતી ખાનગી કંપનીને ચોક્કસ માહિતી મળી હતી કે, મંગળ બજાર જુલેલાલ મંદિરની સામે આવેલ સ્માર્ટ કોલ્ડ્રીંગના ઉપર ગોડાઉનમાં પુમા કંપનીના ડુબલીકેટ શૂઝ, ચપ્પલનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે કંપનીના કર્મચારીઓએ સીટી પોલીસ મથકના કર્મચારીઓને સાથે રાખી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પર હાજર સંચાલક મોહમ્મદમિયાં અબ્દુલકાદર ગોલાવાલા (રહે-નાની મસ્જિદ પાસે, મોટી વહોરવાડ, વાડી) ની પોલીસે અટકાયત કરી હતી અને દુકાનમાંથી પુમા કંપનીના ડુપ્લીકેટ રૂપિયા 24 હજારની કિંમતના 80 જોડ શૂઝ મળી આવ્યા હતા. તેવી જ રીતે મંગળ બજારમાં શાસ્ત્રી માર્કેટ પાસે નેશનલ ફૂટવેર દુકાનમાં પણ પુમા કંપનીના ડુપ્લીકેટ ચપ્પલનું વેચાણની માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડી સંચાલક રહેમતઅલી પ્યારેઅલી પઠાણની અટકાયત કરી હતી. દુકાનમાં તપાસ કરતા રૂપિયા 28,200 ની કિંમત ધરાવતા પુમા કંપનીના ડુપ્લીકેટ ચપ્પલની 282 જોડ મળી આવી હતી. પોલીસે બંને સંચાલક વિરુદ્ધ કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.