રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એક વખત કહેલું કે, રક્તપિત્ત કાર્ય માત્ર તબીબી રાહતનું નથી, પરંતુ જીવનની નિષ્ફળતા અને વ્યક્તિગત મહેચ્છાઓને નિઃસ્વાર્થ સેવામાં બદલવાનું ધ્યેય છે. જો તમે રક્તપિત્તના દર્દીઓનું જીવન બદલી શકો અથવા તેમના જીવનના મૂલ્યોમાં પરિવર્તન લાવી શકો તો તમને ગામડામાં અને દેશમાં પરિવર્તન લાવી શકશો. આ વાતને ચરિતાર્થ કરવા વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લામાં રક્તપિત્તના હાલે ૨૩૪ સક્રીય દર્દીઓ છે. જેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે.
માઇકોબેક્ટેરિયમ લેપ્રી નામક સુક્ષ્મ જીવાણુના કારણે રક્તપિત્તનો રોગ થતો હોવાનું વર્ષ ૧૮૭૩માં નોર્વેના વૈજ્ઞાનિક ડો. આર્મર હેન્સન દ્વારા પૂરવાર કરવામાં આવ્યું હતું. રક્તપિત્ત પૂર્વ જન્મના પાપ કે શાપનું ફળ નથી. તેનો ફેલાવો ચામડીના સ્પર્શથી થતો નથી. આ રોગ દવા નહીં લેતા તેના દર્દીના શ્વાસોશ્વાસથી સ્ત્રી કે પુરુષમાં ફેલાઇ શકે છે. આ રોગ અનુવાંશિક નથી. રક્તપિત્તગ્રસ્ત દર્દીની છિંકમાંથી નીકળેલા જીવાણુઓ ભીનાશવાળા વાતાવરણમાં સાતથી નવ દિવસ જીવિત રહી શકે છે.
શરીરમાં રક્તપિત્તના જીવાણું પ્રવેશ્યા બાદ તેના રોગના ચિહ્નો દેખાવવા વચ્ચેના સમયગાળામાં સંવનનકાળ એટલે કે ઇન્ક્યુબેશન પિરીયડ કહેવામાં આવે છે. તે સમયગાળો સામાન્ય રીતે ૨ થી ૫ વર્ષનો હોય છે પરંતુ કોઇ કિસ્સામાં ૩૦ વર્ષનો પણ હોય છે. રક્તપિત્તના લક્ષણો જોઇએ તો શરીરના કોઇ પણ ભાગમાં આછું, ઝાંખુ રતાશ પડતું ચાંઠુ પડે છે. ચાંઠામાં સંવેદના હોતી નથી. તેમાં ખંજવાળ આવતી નથી. સામાન્ય રીતે તેમાં દુઃખે નહી. ચાંઠામાં પરસેવો ના થાય અને વાળ પણ ના હોય. ચહેરા, કાનની બુટ્ટીમાં સોજો આવે છે. આવા લક્ષણોમાં સ્કીન સ્મીયર ટેસ્ટ કરવામાં આવે તો તેમાં જંતુની હાજરી જોવા મળે છે.
વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રના જનરલ હેલ્થ સ્ટાફ અને આશા વર્કર દ્વારા આવા દર્દીઓને શોધી કાઢવામાં આવે છે. શહેર અને જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૩ સુધીમાં મલ્ટીબેસીલરી પ્રકારના ૧૭૨ અને પોસી બેસીલરી પ્રકારના ૬૩ દર્દીઓ ખોળી કાઢવામાં આવ્યા હતા. દર્દીના શરીરમાં પાંચ કે તેના વધુ ચાંઠા હોય તો તેને મલ્ટી બેસીલરી (એમ.બી.) અને પાંચ કરતા ઓછા ચાંઠા હોય તો તેને પોસી બેસીલરી (પી. બી.) તરીકે ઓળખવામાં આવે છે. એમબી પ્રકારમાં એક વર્ષ અને પીબીમાં છ માસ સુધી સારવારની ખૂબ જ જરૂરિયાત રહે છે. ફેબ્રુઆરી-૨૩ માસ દરમિયાન સાત પી.બી. અને ચાર એમ. બી. પ્રકારના દર્દીઓ મળી આવ્યા છે. રક્તપિત્તને સમયસર સારવાર ના આપવામાં આવે તો હાથપગ, નાકમાં વિકૃત્તિ આવવા લાગે છે. આંગળીઓ વાંકી વળી કપાવા લાગે છે, નાક બૂઠ્ઠુ થઇ જાય છે.
રક્તપિત્તાના દર્દીઓને સમયસર અને પૂર્ણ સારવાર મળે તો ઉક્ત પ્રકારની વિકૃત્તિની નોબત આવતી નથી. રાજ્યમાં રક્તપિત્તાના દર્દીઓને મલ્ટી ડ્રગ થેરાપી વિનામૂલ્યે આપવામાં આવે છે. વેળાસર જો થેરાપી આપવામાં આવે તો જંતુ દ્વારા ચેતાતંતુને નુકસાન થતું નથી. આથી, ઉક્ત પ્રકારના લક્ષણો દેખાય તો તુરંત સારવાર કરાવવી જોઇએ. કારણ કે, આ રોગથી આવતી તમામ વિકૃતિને પ્લાસ્ટિક સર્જરી કરી દૂર કરી શકાતી નથી. આવા દર્દીઓ સાથે કોઇ સામાજિક ભેદભાવ રાખવાની જરૂર નથી.
વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા ૭૧ દર્દીઓને પગમાં ચાંઠા પડ્યાં હોવાનું માલૂમ પડતા તેને માઇક્રો સેલ્યુર રબર શૂઝ આપવામાં આવ્યા છે. આવા શૂઝ વર્ષમાં બે વખત આપવામાં આવે છે. આ ઉપરાંત ૬૮ દર્દીઓને અલ્સર કિટ પણ આપવામાં આવે છે. જેમાં શરીરની ચાંદીના ડ્રેસિંગ માટે આયોડિન, ગોસપેસ, પાટા, સ્ક્રેપર અને સેવલોન આપવામાં આવે છે.
વિકૃત્તિ ધરાવતા કેટલાક દર્દીઓને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવે છે. જોકે, વડોદરા શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીના કારણે દર્દીઓને શોધી કાઢી સમયસર સારવાર કરાવવામાં આવે છે. પાછલા વર્ષમાં એક દર્દીને આવી સર્જરી કરાવી આંગળીઓ સીધી કરવામાં આવી છે. આવા કેસમાં દર્દીને રૂ. ૮ હજાર અને સરકારી દવાખાનાને રૂ. પાંચ હજાર આપવામાં આવે છે. આ દર્દી હાલમાં પોતાનું જીવન સામાન્ય રીતે જ જીવી શકે છે.
વડોદરા જિલ્લામાં ચલાવવામાં આવતા સ્પર્શ લેપ્રસી અભિયાન દરમિયાન કરજણ તાલુકામાં રોજગાર અર્થે આવેલા મધ્યપ્રદેશના એક આખા પરિવારને રક્તપિતની અસર જોવા મળતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. આમ, રક્તપિત્તના દર્દીઓ કોઇ શરમ રાખ્યા વિના સારવાર કરાવે તો તે મટી શકે છે.