વડોદરા શહેરના છાણી ટીપી 13 માં રેલવે ગરનાળા પાસે કેનાલ પર રવિવારે સાંજે સેલ્ફીના ચક્કરમાં ઘરેથી સાયકલ ચલાવવાના જૂઠાણા સાથે નીકળેલ બે વિદ્યાર્થી કેનાલમાં પડતાં દોડધામ મચી હતી. નજીકની ઝૂંપડપટ્ટીના લોકોએ એકને બહાર કાઢ્યો હતો. જ્યારે ફાયરબ્રિગેડે મોડી રાત સુધી ફ્લડ લાઇટની મદદથી અન્ય યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે આજે બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી ફાયર લસ્કરોએ ભારે શોધખોળ કરવા છતાં હજુ તેનો પતો લાગ્યો નથી.
નિઝામપુરા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને ધોરણ 12 માં અભ્યાસ કરતો દેવ મોરે તેના વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં રહેતો અને ધો.11 માં ભણતો પ્રભજીત સાથે રવિવારે સાંજે છાણી કેનાલ પાસે સાઇકલિંગ કરવા નીકળ્યા હતા. દરમિયાન સેલ્ફીની લ્હાયમાં બંને કેનાલના પાણીમાં ખાબક્યા હતા. ઘટનાને પગલે દોડી આવેલા સ્થાનિક તરવૈયાએ પ્રભજીતને બચાવી લીધો હતો. જ્યારે દેવ મોરેનો પત્તો લાગ્યો ન હતો. ફાયરબ્રિગેડના લાશ્કરોએ ફ્લડ લાઇટ લગાવી યુવકની શોધખોળ કરી હતી. જોકે તેનો પત્તો લાગ્યો નહોતો, પણ પાણીમાંથી સાઇકલ અને ચંપલ કિનારેથી મળી આવ્યા હતા ઘટનામાં બચી ગયેલ વિદ્યાર્થીના મામાએ કહ્યું હતું કે, સોસાયટી નજીક જ સાયકલ ચલાવવા માટે જઈએ છીએ. પાંચ મિનિટમાં પરત આવીએ છીએ. તેવું જૂઠું બોલી ઘરેથી નીકળ્યા હતા અને કેનાલની પાળ ઉપર સાઇકલ ઊભી રાખી સેલ્ફી લઈ રહ્યા તે સમયે નજીકમાંથી કાર પસાર થતાં તેનું બેલેન્સ બગડ્યું હતું. સાયકલ સાથે કેનાલમાં ખાબકેલ પ્રભજીતને બચાવવા દેવએ જંપલાવ્યું હતું. સ્થાનિક તરવૈયાએ પાણીમાં કૂદી પ્રભજીતની કમરનો ભાગ હાથમાં આવી જતા તેનો બચાવ થયો હતો. જ્યારે દેવ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.