વડોદરા શહેરમાં સ્ટુડન્ટસ માટેના સૌથી મોટા બે દિવસના સેલ્ફ ડિફેન્સ કેમ્પનો આજથી પ્રારંભ થયો છે. જેમાં કુલ 1500 જેટલા સ્ટુડન્ટસ ભાગ લઈ રહ્યા છે.ધ્યાન ખેંચનારી વાત એ છે કે, આ 1500 સ્ટુડન્ટસમાં લગભગ 50 ટકા ગર્લ્સ છે.
મળતી વિગતો પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં નેશનલ સર્વિસ સ્કીમના ઉપક્રમે 2010 થી દર વર્ષે સેલ્ફ ડિફેન્સ કેમ્પનુ આયોજન કરવામાં આવે છે અને તેમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરો ઉત્તર વધી રહી છે. કોરોનાના કારણે ગયા વર્ષે આ કેમ્પનુ વર્ચ્યુઅલી આયોજન કરાયુ હતુ. જેમાં 1000 કરતા વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોવાથી તેને સૌથી મોટા ઓનલાઈન સેલ્ફ ડિફેન્સ કેમ્પ તરીકે ઈન્ડિયન બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યુ હતુ.
આ વખતે કેમ્પ ટેકનોલોજી ફેકલ્ટીના કેમ્પસમાં યોજાઈ રહ્યો છે. જેમાં 1500 જેટલા સ્ટુડન્ટસ ભાગ લઈ રહ્યા છે. કેમ્પનો આજથી પ્રારંભ થયો હતો. સ્ટુડન્ટસને બે દિવસ દરમિયાન રોજ 7 થી 11 સેલ્ફ ડિફેન્સની તાલીમ કરાટે એક્સપર્ટ દ્વારા આપવામાં આવશે. આ કેમ્પમાં વડોદરાની વિવિધ સ્કૂલો તેમજ કોલેજોના સ્ટુડન્ટસે ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ટેકનોલોજી ફેકલ્ટીના એનએસએસ વિભાગ દ્વારા આ સિવાય જોય ઓફ ગિવિંગ, બ્લડ ડોનેશન કેમ્પ અને બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ, વોટિંગ અવેરનેસ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે યોજાતી હોય છે. જોય ઓફ ગિવિંગના ભાગરૂપે ટેકનોલોજીના સ્ટુડન્ટસ વિદ્યાર્થીઓ પાસેથી કપડા, સ્ટેશનરી જેવી વિવિધ વસ્તુઓ એકઠી કરીને જરૂરિયાતમંદ બાળકોમાં વહેંચતા હોય છે.