વડોદરા શહેરના છેવાડે દંતેશ્વર વિસ્તારમાં આવેલ આશરે 15 લાખ ચોરસ ફૂટથી વધુની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો કરનાર વ્હાઇટ હાઉસના અનઅધિકૃત દબાણ તોડી પાડવાની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા અહીં પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી સવારે 11:00 કલાકે શરૂ કરવામાં આવી હતી. આ સાથે તંત્ર દ્વારા ભૂમાફિયા વિરુદ્ધ સખ્ત પગલાં લેવાશે તેઓ પણ એક સંદેશો વહેતો કરાયો હતો.
દંતેશ્વર ગામની સીમમાં તેમજ વાઘોડિયા રોડ વિસ્તારમાં સરકારી જમીન એનએ થઈ ગઈ અને કલેક્ટરનો બોગસ હુકમ બનાવી સમગ્ર જમીન પર વ્હાઇટ હાઉસ ઊભું કરી દેવાયું હતું. અહીં સ્કીમ શરૂ કરી દેતા ઘણા લોકોએ પૈસા પણ ભર્યા હતા અને 53 પ્લોટ પર અંદાજે 27 જેટલા દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યા હતા. 90ના દાયકાના સીટી સર્વેની ખોટી એન્ટ્રીના આધારે સરકારી જમીન પચાવી પાડવા મામલે કોર્પોરેશન અને કલેક્ટરમાં અવાર નવાર રજૂઆત બાદ આખરે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ પાસ થયો હતો. જેના આધારે 100 કરોડની સરકારી જમીન પચાવી પાડવાના મામલે સંજય પરમાર તથા તેની પત્ની વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને બંનેની ધરપકડ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, હાલ તે બંનેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
સમગ્ર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવા મામલે સરકારી વિભાગોએ અવાર નવાર આપેલ નોટિસનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હતો. તે બાદ આજે સીટી સર્વે કચેરી મામલતદાર દક્ષિણના કલમ 61 મુજબ હુકમ અંતર્ગત અહીં સમગ્ર જમીન પર ઉભા થયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ જમીનની આજુબાજુના ગેરકાયદેસર બંગલોઝની સ્કીમના દબાણો તોડી પાડવા માટે સવારથી અહીં વિવિધ સરકારી વિભાગોનો સ્ટાફ ખડે પગે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરીની ટીમ દ્વારા અહીં સર્વે અને ડિમાર્કેશન સાથે કોર્પોરેશનના અધિકારીઓને અનઅધિકૃત દબાણ દર્શાવવામાં આવ્યા હતા. આ સાથે અહીં જીઈબીની ટીમ પણ બોલાવી રાખવામાં આવી હતી. તેઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં વીજ જોડાણ બંધ કરી દેવાયા હતા અને તે બાદ સ્થાનિક પોલીસની હાજરી સાથે સમગ્ર સરકારી જગ્યા ખુલ્લી કરવા અંતર્ગત દબાણ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.