વડોદરામાં સાઇલેન્સર ચોરીના બનાવો દિવસે વધી રહ્યા હોવાથી પોલીસે ચોરોને પકડવા માટે સીસીટીવી ફૂટેજ તેમજ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ગોત્રી જીઇબી સ્ટેશન નજીક રાતે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફોર્ડ ફીગો કારના ચાલકે દૂરથી જ ટર્ન લઇ કાર પાછી વાળી દેતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે પીછો કરતા બંને જણા કારમાંથી ઉતરીને ભાગવા ગયા હતા પરંતુ પકડાઈ ગયા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન પકડાયેલાનું નામ મોહમ્મદ મુસ્તાક ઈકબાલ હુસેન શેખ અને સજ્જાદ ઉર્ફે મક્કા મોહમ્મદ સિદ્દીક શેખ હોવાનું જણાઇ આવ્યું હતું અને બન્ને અમદાવાદના હોવાનું ખુલ્યું હતું. તેઓની કારમાંથી પાંચ સાયલેન્સર મળી આવતા પૂછપરછ દરમિયાન બંને જણા અમદાવાદથી કારના સાઇલેન્સર ચોરવા આવતા હોવાની તેમજ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાંથી 21 જેટલી કારને નિશાન બનાવી હોવાની વિગતો ખૂલી હતી.
કારના સાઇલેન્સર કાઢી લેતી ટોળકીની પસંદગી માત્ર ઇકો કાર જ રહેતી હતી. પોલીસને ચકમો આપવા માટે આ ટોળકી અમદાવાદથી જુદી જુદી કાર લઈને વડોદરામાં આવતી હતી. કારના સાઇલેન્સર ચોરી ગયા બાદ તેઓ શું કરતા હતા તે મુદ્દે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ ચલાવી રહી છે.