વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ નક્ષત્ર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન નવવધુને આપેલ ભેટ સોગાદના અંદાજે રોકડા રૂ. 1.50 લાખના કવર અને ભેટ સાથેની થેલી અજાણ્યો કિશોર લઈ રફુચક્કર થઈ જતા હરણી પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના અકોટા વિસ્તારમાં આવેલ શ્રેણિક પાર્ક સોસાયટીમાં રહેતા અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને પૂર્વ ઉપપ્રમુખ 71 વર્ષીય મદનમોહન રામગોપાલ શર્મા રણોલી જીઆઇડીસીમાં પ્લાસ્ટિકની ફેક્ટરી ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદનુસાર 9 ફેબ્રુઆરીના રોજ તેમના પૌત્રના લગ્ન પ્રસંગ હરણી મોટનાથ રોડ ઉપર આવેલ નક્ષત્ર પાર્ટી પ્લોટમાં યોજાયા હતા. અતિથિઓ દ્વારા નવવધુને આપવામાં આવતી ભેટ સોગાદો એક થેલીમાં રાખી રહ્યા હતા. તે સમયે થેલી ગાયબ થઈ જતા 10 થી 12 વર્ષનો અજાણ્યો બાળક તે બેગ લઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં આશરે રૂ 1.50 લાખની રોકડના કવર અને ભેટ સોગાદ હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે હરણી પોલીસે અજાણ્યા બાળક વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મદનમોહન શર્માના ભત્રીજાનું વર્ષ 2016 માં માંજલપુર અતિથિગૃહમાં લગ્ન રાખ્યું હતું ત્યારે લગ્ન પતી ગયા બાદ પરિવારજનો સાથે જમવા બેઠા હતા ત્યારે એક 15 થી 16 વર્ષનો છોકરો નજર ચૂકવી બેગની ઉઠાંતરી કરીને ભાગી જતો હતો તેની ઉપર નજર પડતા મદન મોહન શર્માએ અને પરિવારજનોએ પાછળ દોડીને ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હોવાનો પણ કિસ્સો તેમના જીવનમાં બન્યો હતો.