વડોદરાનાં કરજણ પોલીસ સ્ટેશનની હદમાં જીન્દાલ કંપની પાસે બનેલી લૂંટની ઘટનાના ગુનાનો ગણતરીના દિવસોમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેદ ઉકેલી નાખી બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રિય માહિતી અનુસાર ગત તારીખ ૨૪મી ડિસેમ્બરના રોજ ડભોઇ ટાઉન ખાતે રહેતા નિલેશભાઈ મગનભાઈ વસાવા પોતાની બુલેટ મોટરસાઇકલ લઇ તેઓના બનેવીના ઘરે ભરૂચ જઈ રહ્યા હતા તે દરમિયાન કરજણ હાઇવે ઉપર જિંદાલ ઓવરબ્રિજની આગળ પહોંચતા કોઈ બે અજાણ્યા ઈસમોએ ઈકો ગાડીમાં આવી નિલેશભાઈની બુલેટને આંતરી નિલેશભાઈને માર મારી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નિલેશભાઈ પાસેના ત્રણેય એટીએમ કાર્ડ તથા મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5,000 તથા બુલેટ કિંમત રૂપિયા ૬૦ હજારની લૂંટ કરી તથા નિલેશભાઈનું અપહરણ કરી નિલેશભાઈ કાર્ડના પાસવર્ડ જાણી બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ૭૮,૦૦૦ ઉપાડી લઇ કુલ રૂપિયા 1,47,000 મુદ્દામાલની લૂંટ કરી અજાણ્યા ઇસમો નાસી ગયા હતા. જે સંદર્ભે કરજણ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 26 મી ડિસેમ્બરનાં રોજ લૂંટનો ગુનો દાખલ થયો હતો.
સમગ્ર બનાવની તપાસ વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોપાઇ હતી. આ બાબતે ફરિયાદીની વધુ પૂછપરછ કરી લૂંટ કરનારા આરોપીઓનાં વર્ણન ભાષા તેઓની ચાલ ચલગતની તમામ માહિતી એકત્રિત કરી ઝીણવટ પૂર્વક એલસીબીએ તપાસ હાથ ધરી હતી અને આ બાબતે એલસીબી સ્ટાફ દ્વારા બાતમીદારોનો સંપર્ક કરી માહિતી મેળવવા પ્રયત્નો હાથ ધરાયા હતા જે અનુસંધાને ગતરાત્રીના એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કરજણ પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસ પહેલાં લૂંટ કરનારા ઈસમો એક નંબર વગરનું બુલેટ લઈને કપુરાઈ ગામ તરફથી આવી વડોદરા શહેર તરફ જનાર છે અને તેઓ દ્વારા જ આ લૂંટને અંજામ આપેલ છે. જેથી એલસીબી ટીમ દ્વારા કપુરાઈ ચોકડી નજીક હોટલની બાજુમાં કપુરાઈ ગામ તરફ જવાના રોડ ઉપરથી બે ઇસમો બુલેટ લઈને આવતા હોય જે બાતમી વર્ણન વાળા ને રોકી તેમના નામ પુછતા અવૈશ ઉર્ફે સન્ની અમીનભાઈ મેમણ તેમજ રફિકભાઈ સલીમભાઈ મેમણ બન્ને રહે. વડોદરા હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓની પાસેના બુલેટ બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં અને ગલ્લા ટલ્લા કરવા લાગેલા જેથી તેઓને વિશ્વાસમાં લઇ યુક્તિ – પ્રયુક્તિ પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓએ બુલેટ તથા તેઓની પાસેનો એક મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા ની તારીખ ગત તારીખ 24 ડીસેમ્બરના રોજ પોતાની ઇકો ગાડી લઈને વડોદરાથી સુરત જવા માટે નીકળ્યા હતા તે વખતે સાંજના ચાર પાંચ વાગ્યાની આસપાસ કરજણ ટોલનાકા અને પાલેજની વચ્ચે એક બુલેટ ચાલકને ભરૂચ તરફ જતી વખતે તેઓની ઇકો ગાડીની સાથે સાઈડમાં અથાડી એકસીડન્ટ કરી બુલેટ ચાલકને મારમારી તેનો મોબાઇલ ફોન તેમજ તેના ત્રણ એટીએમ કાર્ડ પીન નંબર લઇ લીધેલ અને તેનું બુલેટ એક હોટલની બાજુમાં મૂકી દીધેલ અને તેને ગાડીમાં બેસાડી દઇ પાલેજ તેમજ ભરૂચ નજીક આવેલ શિવકૃપા હોટલના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડેલા અને તે પછી તેને અંકલેશ્વરથી આગળ રોડ ઉપર ગાડીમાંથી નીચે ઉતારી દઇ સુરત જતા રહ્યા હતા અને સુરતથી પરત આવતી વખતે બુલેટ લઈને કરજણ ખાતેના એટીએમ મશીનમાં પૈસા ઉપાડી વડોદરા આવતા રહેલ હોવાની હકીકત જણાવતા ઝડપાયેલા બંને આરોપીઓની અંગજડતીમાંથી મોબાઇલ ફોન 3 કિંમત રૂપિયા ૪૫,૦૦૦, રોકડા રૂપિયા ૨૭,૫૦૦ બુલેટ કિંમત રૂપિયા ૬૦,૦૦૦ મળી કુલ રૂપિયા એક લાખ 32 હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કરી બંને ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે કરજણ પોલીસ મથકમાં સુપ્રત કરેલ છે.
યાકુબ પટેલ : કરજણ